ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોનો આતંક પૂરો કરવા ખાસ કવાયત ચલાવવામાં આવી રહી છે તેમ છતાં વ્યાજખોરોના ત્રાસથી લોકો આપઘાત કરી રહ્યા છે. ઘાટલોડિયામાં પત્ની જ્યોત્સનાબેન સાથે રહેતા અતુલ ભટ્ટ હીરા બજારમાં દલાલીનું કામ કરતા હતા. તેમની પત્ની જ્યોત્સનાબેને ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ૨૦૧૭માં અતુલ ભટ્ટને રૂપિયાની જરૂર હોવાથી તેમણે સોસાયટીમાં આવતા અને ફાઇનાન્સનું કામ કરતા જીભાઇ દેસાઇ પાસેથી રૂપિયા ૪ લાખ ઉછીના લીધા હતા. આ રૂપિયા જેમ જેમ સગવડ થઇ તેમ તેમ અતુલ ભટ્ટે જીભાઇ દેસાઇને પરત કરી દીધા હતા. ચાર લાખ ચૂકવાઇ ગયા બાદ પણ જીભાઇએ અતુલ ભટ્ટને કહ્યું હતું કે મૂડી ચૂકવી દીધી છે પરંતુ વ્યાજ અને પેનલ્ટી તો ચૂકવવી જ પડશે.
બાદ અવારનવાર વ્યાજખોર ફોન કરીને અને ઘરે આવીને રૂપિયાની ઉઘરાણી કરતો હતો. ૨૭ સપ્ટેમ્બરે વ્યાજખોર અતુલભાઇના ઘરે આવ્યો હતો અને હું તને ઝેર પીવાના રૂપિયા આપું, મરી જા અને ઝેર ના પી શકે તો તારી હત્યા કરીને જેલ ભોગવવા તૈયાર છું. રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ અતુલભાઇ ઘરમાં ગુમસુમ રહેતા હતા. અવારનવાર ધમકીથી કંટાળીને અતુલભાઇએ સાંજે ઉધઇ મારવાની ઝેરી દવા પી લીધી હતી.
તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ૨૫ ઓક્ટોબરે તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. તેમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી તેમાં જીભાઇના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે પત્ની જ્યોત્સનાબેને વ્યાજખોર સામે ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.