ઘઉંના લોટની કિમતમાં વધારો નોંધાઈને ૧૫ વર્ષની ટોચે પહોચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોંઘવારીએ દાટ વાળ્યો છે. સામાન્ય લોકોના બજેટ ખોરવી નાખ્યા છે. શાકભાજી-ફળોના ભાવમાં હજુ ઘટાડો થયો નથી. ત્યાં ઘઉંના લોટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ઘઉંની કિંમતમાં વધારો નોંધાતા લોટની કિંમત ૧૫ વર્ષની ટોચે પહોંચી હોવાનો અહેવાલ આવ્યો છે. કંટાર રિપોર્ટ અનુસાર, આ વૃદ્ધિની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારો પર થઈ છે. પરિવાર પર ખર્ચનો બોજો વધ્યો છે. FMCG સેક્ટરનો ગ્રોથ મંદ પડ્યો છે.
ઘઉંના ભાવમાં તોતિંગ વધારાના કારણે ઘઉંના લોટની કિંમત રૂ. ૪૨ પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી છે. જે જાન્યુઆરી, ૨૦૦૯ કરતાં વધુ છે. ઘઉંનું વાવેતર ઘટતાં સરકાર પાસે પણ ઘઉંનો સ્ટોક માંગ કરતાં ઓછો છે. જેથી કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. શહેરી ક્ષેત્રોમાં ખાદ્ય ચીજો પર ફુગાવો ૧૧.૧ ટકાના દરે વધ્યો છે.
મોટાભાગની FMCG પ્રોડક્ટ્સના ભાવ વધ્યા છે. ખાણીપીણીની ચીજોના ભાવ વધતાં FMCG કંપનીઓ કિંમતોમાં વધારો તેમજ પ્રમાણમાં ઘટાડો કરી રહી છે. જેના લીધે શહેરી વિસ્તારોમાં ઘરદીઠ ખર્ચ બે વર્ષમાં ૧૩ ટકા વધ્યો છે. દેશભરમાં મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. કંટારના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, હાલ મોંઘવારીમાં કોઈ રાહત મળશે નહીં. આગામી થોડા સમય સુધી કિંમતો વધવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. આગામી વર્ષના પ્રથમ છ માસમાં મોંઘવારીનો દર વધવાની આશંકા છે.