દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશનો મામલો સામે આવ્યો છે. આ વિમાને બાકુ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જેમાં ૭૨ થી વધુ મુસાફરો હતા. આ પ્લેન રશિયાના ચેચન્યામાં ગ્રોઝની જવાનું હતું, પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલવામાં આવ્યો હતો.
કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે ૭૨ થી વધુ લોકો સાથેનું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક ક્રેશ થયું છે, છ મુસાફરો બચી ગયા છે, જ્યારે અનેક લોકોના મોતની આશંકા છે. અક્તાઉ એરપોર્ટ નજીક વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે. જે બાદ માહિતી મળી હતી કે આ વિમાન દુર્ઘટનામાં ૬૬ લોકોના મોત થયા છે. એમ્બ્રેર ૧૯૦, અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર ૮૨૪૩ માં ક્રૂ મેમ્બર સહિત ૭૨ લોકો સવાર હતા. જણાવવામાં આવ્યું હતું કે કઝાક શહેર અક્તાઉથી લગભગ ૩ કિલોમીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
કઝાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંભવિત તકનીકી સમસ્યા સહિત ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે બાદમાં જણાવ્યું હતું કે ક્રેશ બાદ આગ લાગી હતી. જેને ફાયર સર્વિસે સમયસર ઓલવી દીધી હતી અને બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન ઝડપથી જમીન તરફ આવી રહ્યું છે અને થોડી જ સેકન્ડમાં તે અકસ્માતનો ભોગ બને છે અને વિસ્ફોટનો ધડારાભેર અવાજ આવે છે. આ પછી, હવામાં આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે.