કૃષિ ક્ષેત્રમાં રોજગારની સ્થિતિમાં સુધારાનો સંકેત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રિઝર્વ બેંકના અહેવાલ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના મોટાભાગના મહિનામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) હેઠળ કામની માંગ ઓછી રહી છે. આ વલણ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં રોજગારની સ્થિતિમાં સુધારાનો સંકેત છે.
RBI ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં (એપ્રિલ-નવેમ્બર) મોટાભાગના મહિનામાં મનરેગા હેઠળ કામની માંગ કરતા પરિવારોની કુલ સંખ્યા મહામારી પછીના વર્ષોની તુલનામાં ઓછી રહી છે. આ યોજના એવા પરિવારોને વાર્ષિક ઓછામાં ઓછા ૧૦૦ દિવસની બાંયધરીકૃત વેતન રોજગારી પ્રદાન કરે છે કે જેના પુખ્ત સભ્યો અકુશળ મેન્યુઅલ કામ સ્વેચ્છાએ કરે છે. RBI એ નોંધ્યું કે, નવેમ્બર ૨૦૨૪માં મનરેગા કાર્યની માંગમાં મહિના-દર-મહિને (M-O-M ) ૮.૨ ટકા અને વર્ષ-પ્રતિ-વર્ષ (Y-O-Y) ૩.૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે મોટાભાગે રવિ વાવણી પૂર્ણ થવાને કારણે હતું, એપ્રિલથી નવેમ્બર ૨૦૨૪ સુધીની એકંદર માંગ મહામારી પછીના વર્ષોની સરખામણીમાં ઓછી રહી છે.
અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું કે, ઓક્ટોબર ૨૦૨૪માં, મનરેગા હેઠળ કામની માંગમાં ૭.૫ ટકાનો ઘટાડો થયો છે, જેનું કારણ ખરીફ લણણીની ઋતુમાં ઉચ્ચ કૃષિ ક્ષેત્રના રોજગારમાં વૃદ્ધિ છે. આ ઘટાડો ગ્રામીણ રોજગાર માર્કેટમાં વ્યાપક સુધારસાથે સુસંગત છે. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં, મનરેગા હેઠળ નોંધાયેલા કામદારોની કુલ સંખ્યા ૨૫.૧૭ કરોડ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં નોંધાયેલા ૨૫.૬૮ કરોડ કામદારો કરતાં થોડી ઓછી છે.
આ દરમિયાન, અહેવાલમાં એ પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે કે સંગઠિત ઉત્પાદન ક્ષેત્રે રોજગારમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) સૂચવે છે કે, આ સેક્ટરમાં રોજગારીનું સર્જન સતત નવ મહિનાથી વધ્યું છે. સેવા ક્ષેત્રમાં પણ રોજગારમાં ઉછાળો આવ્યો છે, સર્વેક્ષણની શરૂઆત પછી રોજગાર સર્જન તેની સૌથી ઝડપી ગતિ વધી રહ્યું છે.
વેતન સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગ્રામીણ સંકટ ઘટાડવા માટે શરૂ કરાયેલા મનરેગા કાર્યક્રમમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માંગમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, જે મોસમી કૃષિ પ્રવૃત્તિઓ અને વ્યાપક આર્થિક વલણોથી પ્રભાવિત છે. તાજેતરના ડેટા ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારો સૂચવે છે, જોકે આર્થિક અનિશ્ચિતતાના સમયગાળા દરમિયાન ગ્રામીણ પરિવારો માટે મનરેગા એક મહત્ત્વપૂર્ણ સુરક્ષા કવચ બનેલું છે.