આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કર્યો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી પહેલા આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી આતિશીની ધરપકડ થઈ શકે છે. કેજરીવાલે આતિશી, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો છે કે, ફરી મારા પર દરોડા પડશે. કેજરીવાલે આશંકા વ્યક્ત કરી કે, ટ્રાન્સપોર્ટ વિભાગના એક કેસ હેઠળ આવું કરવામાં આવી શકે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મને સૂત્રો પાસેથી માહિતી મળી છે. પૂર્વ CM એ કહ્યું, ‘અમને અમારા સૂત્રો પાસેથી ૩-૪ દિવસ પહેલા ખબર પડી હતી કે ED અને ઈન્કમ ટેક્સની મીટિંગ થઈ હતી. તે મીટીંગમાં ઉપરથી આદેશ આવ્યો કે કોઈ પણ નકલી કેસ કરીને આતિશીની ધરપકડ કરવામાં આવે. હું સંપૂર્ણ જવાબદારી સાથે આરોપ લગાવું છું કે, આ ત્રણેય એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નકલી કેસ દાખલ કરીને આતિશીની ધરપકડ કરો.
AAP સુપ્રીમોએ કહ્યું કે, ‘ચૂંટણી તૈયારીઓથી રોકવા માટે મારા પર, મનીષ સિસોદિયા, સંજય સિંહ, આતિશી, સૌરભ ભારદ્વાજ પર દરોડા પાડવામાં આવશે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે ટ્રાન્સપોર્ટ વિભાગમાં નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમનો ઈરાદો મહિલાઓ માટે મફત મુસાફરી બંધ કરવાનો છે. ટ્રાન્સપોર્ટ વિભાગમાં ખોટો કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમને ખાતરી છે કે લોકો ગંદા ષડયંત્રનો જવાબ આપશે. દેશની જનતા આ પ્રકારની રાજનીતિ પસંદ નથી કરતી.’
આતિશીએ કહ્યું, અમને પાક્કી માહિતી મળી છે કે દિલ્હીમાં મહિલાઓ માટે મફત મુસાફરી બંધ કરવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગમાં એક બનાવટી કેસ દ્વારા મારી વિરુદ્ધ નકલી કેસ દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે હંમેશા ઈમાનદારી સાથે કામ કર્યું છે અને હંમેશા કરતા રહીશું. મને વિશ્વાસ છે કે જો એજન્સીઓ મારી ધરપકડ કરશે તો આખરે સત્ય બહાર આવશે. મને દેશની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. જે રીતે વરિષ્ઠ નેતાઓને બનાવટી કેસોમાં પકડવામાં આવ્યા અને પછી બધાને જામીન મળી ગયા. મને બંધારણ અને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. તમે અમારા પર ખોટા કેસ કરીને દિલ્હીવાસીઓની સુવિધાઓ રોકવા માગો છો, દિલ્હીની જનતા બધું જાેઈ રહી છે.