વચગાળાની સરકારે પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત કરવાની કવાયત તેજ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
૫૩ વર્ષ બાદ હવે પાકિસ્તાની સેનાએ બાંગ્લાદેશમાં એન્ટ્રી કરી લીધી છે. આ એક સમાચારે હલચલ મચાવી દીધી છે. ૧૯૭૧માં જે પાકિસ્તાની સેનાને પૂર્વ પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવી હતી તે જ પાકિસ્તાની સેના હવે આ દેશમાં નવેસરથી પોતાનો રુતબો જમાવવાનો પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધો વધારવાની દિશામાં પગલાં ભર્યા છે, જે ભારત માટે એક નવો પડકાર ઊભો કરી શકે છે. PAK આર્મીના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાના નેતૃત્વમાં એક વિશેષ ટીમ બાંગ્લાદેશને ટ્રેનિંગ આપવા માટે ફેબ્રુઆરી ૨૦૨૫માં ત્યાં જશે.
પ્રથમ તબક્કામાં આ ટ્રેનિંગ મેમેનશાહી કેન્ટ સ્થિત આર્મી ટ્રેનિંગ ઍન્ડ ડોક્ટ્રિન કમાન્ડ (ATDC) હેડક્વાર્ટર ખાતે યોજાશે. આ કાર્યક્રમ એક વર્ષ સુધી ચાલશે. ત્યારબાદ બાંગ્લાદેશના તમામ ૧૦ સૈન્ય કમાન્ડમાં પાકિસ્તાની સેના ટ્રેનિંગ લેશે. જનરલ મિર્ઝાએ નવેમ્બરમાં બાંગ્લાદેશને આ પ્રસ્તાવ મોકલ્યો હતો. જેનો બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને સ્વીકાર કરી લીધો.
આ ઘટનાક્રમ કરીને શેખ હસીનાની સરકાર બાદ બદલાયેલી પરિસ્થિતિને ઉજાગર કરે છે. જ્યારથી વચગાળાની સરકારે પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત કરવાની કવાયત તેજ કરી દીધી છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં કરાચી પોર્ટ પર પાકિસ્તાની નેવી સાથે બાંગ્લાદેશનો યુદ્ધ અભ્યાસ અમન-૨૦૨૫ થશે. આ યુદ્ધ અભ્યાસ દર બે વર્ષે યોજાય છે, પરંતુ બાંગ્લાદેશ છેલ્લા ૧૫ વર્ષથી તેનાથી દૂર રહ્યું હતું. શેખ હસીનાના શાસનકાળમાં PAK સાથે કોઈપણ પ્રકારના સૈન્ય અભ્યાસ પર પ્રતિબંધ હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે માત્ર આ અભ્યાસમાં ભાગ લેવા માટે સંમતિ નથી દર્શાવી, પરંતુ બંગાળની ખાડીમાં PAK નેવી સાથે સંયુક્ત અભ્યાસની તૈયારી પણ કરી રહી છે. શેખ હસીનાની સરકાર દરમિયાન બાંગ્લાદેશે પાકિસ્તાન સાથેના સંબંધો મર્યાદિત રાખ્યા હતા. ૨૦૨૨માં શેખ હસીનાએ પાકિસ્તાની યુદ્ધ જહાજ PNS તૈમુરને ચટગાંવ બંદર પર લંગર નાખવાની મંજૂરી નહોતી આપી. પરંતુ વર્તમાન વચગાળાની સરકારે PAK થી ચટગાંવ આવતા કાર્ગોને તો મંજૂરી આપી જ દીધી છે આ સાથે માલસામાનના ચેકિંગમાંથી પણ છૂટ આપી દીધી છે.
ઢાકા અને ઈસ્લામાબાદ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી શરુ કરવાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. પાકિસ્તાનના નાગરિકો માટે વિઝા નિયમોમાં છૂટ આપવામાં આવી છે. પાકિસ્તાની કાર્ગો શિપને ચટગાંવ પોર્ટ પર તપાસ કર્યા વગર જ એન્ટ્રી આપવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હાલના ફેરફારો પાછળ પાકિસ્તાનની રણનીતિ નજર આવી રહી છે. અહેવાલ પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ શેખ હસીનાની સરકારને પાડવામાં અને વચગાળાની સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
બાંગ્લાદેશમાં લાંબા સમયથી પાકિસ્તાની તાકાત સક્રિય રહી છે, જે હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. પાકિસ્તાનનું આ પગલું વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ભારત માટે મોટો પડકાર બની શકે છે. બાંગ્લાદેશમાં પાકિસ્તાનની વધતી જતી હાજરી સિલીગુડી કોરિડોર (ચિકન નેક) માટે ખતરો વધારી શકે છે, જે ભારતને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડતો એકમાત્ર માર્ગ છે. આ સાથે જ ભારતના પૂર્વોત્તરમાં કટ્ટરપંથી તાકાતો વધુ મજબૂત થવાની આશંકા છે. શું બાંગ્લાદેશ ફરી એક વખત પાકિસ્તાનના પ્રભાવમાં જઈ રહ્યું છે? હાલની સ્થિતિ આ સવાલને મજબૂતીથી ઉઠાવી રહી છે. પાકિસ્તાન-બાંગ્લાદેશ ગઠબંધન ભારત માટે માત્ર રાજદ્વારી પડકાર જ નથી, પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે.