આ કેસમાં મને બદનામ કરવામાં આવી રહ્યો છે : અલ્લુ અર્જુન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ મોટી કમાણી કરી રહી છે, તો બીજી તરફ અભિનેતા સંધ્યા થિયેટર કેસમાં ફસાયેલો છે. અલ્લુ અર્જુનને પૂછપરછ માટે ચિક્કડપલ્લી સ્ટેશન પર બોલાવાયો હતો. આ પહેલા અલ્લુ અર્જુને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘આ કેસમાં મને બદનામ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ કેસમાં પીડિત પરિવારને અમે રૂ. ૨ કરોડની મદદ કરવાનું નક્કી કર્યું છે.’ આ દરમિયાન અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે કહ્યું હતું કે, ‘અલ્લુ અર્જુન, તેનો પરિવાર અને પુષ્પા ૨ની ટીમ પીડિતના પરિવારના સતત સંપર્કમાં રહીને હોસ્પિટલમાં દાખલ ૯ વર્ષના શ્રીતેજની સંભાળ લઈ રહી છે. અલ્લુ અરવિંદે કહ્યું કે પુષ્પા ૨ની આખી ટીમ પીડિત પરિવારની સાથે છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.’
અલ્લુ અરવિંદે કહ્યું કે ‘પુષ્પા ૨ના પ્રોડ્યુસર અને ટીમ સંયુક્ત રીતે પીડિત પરિવારને રૂ. ૨ કરોડની આર્થિક સહાય કરશે. તેમાંથી રૂ. ૧ કરોડ અલ્લુ અર્જુન આપી રહ્યો છે, જ્યારે પુષ્પા ૨ના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરફથી ૫૦-૫૦ લાખ અપાશે. શ્રીતેજ ટ્રસ્ટ બનાવીને ભવિષ્યમાં પણ બાળકને વધુ મદદ કરવામાં આવશે.’ હાલ શ્રીતેજ હાલ વેન્ટિલેટર પર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ૪ ડિસેમ્બરે પુષ્પા-૨નું પ્રીમિયર યોજાયું હતું. એ વખતે અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે થયેલી નાસભાગમાં ૮ વર્ષીય શ્રીતેજની માતા રેવતીનું અવસાન થયું હતું. આ ફિલ્મની રિલીઝને ૨૧ દિવસ થઈ ગયા છે અને છતાં બોક્સ ઓફિસ તે રોજેરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન રૂ.૧૧૦૧.૧૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન રૂ. ૧૫૦૦ કરોડને પાર થઈ ગયું છે.