વન વિભાગે સિંહણને પકડવા પાંજરા મુક્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર જંગલમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના માનવ પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં એક સિંહણે ૧૩ વર્ષની બાળકીને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. સિંહણ ૪૦૦ ફૂટ જેટલી દૂર ઢસડી ગયા બાદ તેની છાતી પર બેસી ગઈ હતી. જોકે પિતાએ પ્રતિકાર કર્યો પરંતુ બાળકી બચી શકી નહોતી. વનવિભાગે સિંહણને પાંજરે પૂરવા કવાયત શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, વિસાવદરના બરડીયા ગામની સીમમાં વાડીએ મૂળ મધ્યપ્રદેશના શ્રમિકો મજૂરી કામ અર્થે ઘણા સમયથી રહે છે. જેમાં એક ૧૩ વર્ષીય બાળકી તેની બહેન સાથે બાજુના ખેતરમાં પાણી વાળવાનું કામ કરતા તેમના પિતાને બેટરી આપવા જતી હતી. આ દરમિયાન તુવેરમાં છુપાયેલી સિંહણે રાહલી નામની બાળકીને અચાનક જ ગળાના ભાગેથી પકડી દૂર ઢસડી ચાલી ગઈ હતી. ત્યારબાદ તેની નાની બહેને બૂમાબૂમ કરી દોડીને તેના પિતા પાસે જઈ સમગ્ર વાતથી વાકેફ કર્યા હતા.તેના પિતા બાળકીને તુવેરમાં આમતેમ શોધી રહ્યા હતા ત્યારે ૪૦૦ મીટર જેટલી દૂર સિંહણ બાળકીનાં ગળાંના ભાગે બચકા ભરી તેના ઉપર બેઠી હતી. બાળકીના પિતાએ પરિસ્થિતિ જોઈ સિંહણને પડકારા કરતાં, રઘવાઈ બનેલી સિંહણ બાળકીને મૂકી ત્યાંથી દૂર ચાલી ગઈ હતી. બાદમાં ગ્રામજનોને જાણ થતા સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં બે સિંહણ અને એક બચ્ચું આંટાફેરા મારી રહ્યાં છે. હાલ વન વિભાગે સિંહણને પકડવા પાંચથી વધુ પાંજરાઓ અલગ અલગ જગ્યાએ ગોઠવ્યા છે.