ડભોઇની ઓરસંગ નદીના પટમાં રેતી ખનન માફિયાઓ વચ્ચે લોહિયાળ જંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી રેતી ખનનનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. આ રેતી ખનન કૌભાડમા હપ્તાનુ રાજકારણ હોવાનું મનાય છે. ડભોઇ નગરપાલિકાના કાઉન્સિલર અને તેના સાગરીતોએ રેતી ભરીને જતી ટ્રકોને રોકી હતી અને ધમકી આપી ટ્રક ચાલક પાસેના રૂપિયા દસ હજારની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાઇ છે. તો સામે કોર્પોરેટરે રેતી ભરીને જતાં ટ્રક ચાલક અને તેના સાગરીતોએ મારક હથિયારોથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.
ડભોઇ તાલુકાના નવી માંગરોળ ગામમાં રહેતા અક્ષય હસમુખભાઈ પાટણવાડીયા તેમજ અન્ય બે વ્યક્તિ સંજય અને જગદીશ રોહિત ઓરસંગ નદીમાંથી ટ્રકોમાં રેતી ભરીને કરનેટ ગામના કાચા રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ડભોઇ નગરના કાઉન્સિલર અજય નરસિંહ રાઠવા, ઉજમ ભઈલાલ રાઠવા, વિજય કનુ તડવી સહિત છ વ્યક્તિઓએ ટ્રકને રોકી હતી અને ટ્રકની ચાવી કાઢી લઈ રેતી ખનન ચોરીનો આક્ષેપ મૂકીને મારી નાંખવાની ધમકી આપી હતી. તે સાથે અક્ષય પાટણવાડીયા પાસેથી છ વ્યક્તિઓઓએ રૂપિયા ૧૦,૦૦૦ ની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
તો બીજી બાજુ ડભોઇ પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અજય રાઠવાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ નદીના પટમાં આવેલા ફ્રેન્ચવેલ ખાતે વિઝીટમાં ગયા હતા. તે દરમિયાન રેતી ભરેલી ટ્રકો પસાર થઈ રહી હતી. તેઓને રોકીને રેતી ખનનની ચોરી કેમ કરો છો તેમ પૂછતા અક્ષય પાટણવાડીયા, સંજય જગદીશ રોહિતે તેઓના ટ્રક માલિકોને ફોન કરીને બોલાવ્યા હતા. તુરત જ તેઓના સાગરીતો સંજય નગીન પાટણવાડીયા, તેમના બે પુત્રો પ્રીત સંજય પાટણવાડીયા, તક્ષ સંજય પાટણવાડીયા, અજય મોતીલાલ રોહિત જગદીશ પરાગ રોહિત રિતેશ વિનુ પાટણવાડીયા, મુકેશ રમેશ પાટણવાડીયા સહિત ૯ થી ૧૦ જેટલા લોકોએ હુમલો કર્યો હતો. તાજેતરમાં ડભોઇ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અજય રાઠવાએ ડભોઇ પાલિકાના પ્રમુખ સામે રેતી ખનનમાં સંડોવણી હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અજય રાઠવાના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના માજી ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે કલેકટર અને ડભોઇના સંબંધિત વિભાગોને આવેદનપત્ર આપી તપાસની માંગણી કરી હતી.