૩૧મી ડિસેમ્બર નજીક આવતા દારૂ ઘુસાડવા બુટલેગરોના અજીબ કીમિયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
૩૧મી ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. પરંતુ વલસાડ જિલ્લા પોલીસની સતર્કતાને કારણે વિદેશી દારૂ પણ ઝડપાઈ જાય છે. ત્યારે આ વખતે વલસાડ રૂરલ પોલીસે કોઈ અન્ય વસ્તુ નહીં પરંતુ ઓક્સિજનના બાટલાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.
વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે અતુલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પો રોકતા અંદર ઓક્સિજનના બાટલા ભરેલા હતા. બહારથી આ ટેમ્પામાં કંઈ શંકાસ્પદ લાગતું ન હતું. પરંતુ પોલીસને પાક્કી બાતમી મળી હોવાથી તપાસ કરતા ઓક્સિજનના બાટલાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૭૦ હજારની કિંમતના વિદેશી દારૂ, ટેમ્પો અને ઓક્સિજનના બાટલા પણ જપ્ત કર્યા હતા. લાખોના મુદ્દામાલ સાથે પોલીસે ટેમ્પામાં સવાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઓક્સિજનના બાટલાની આડમાં ભરેલો આ દારૂ દમણથી લાવવામાં આવ્યો હતો. આથી પોલીસે આ દારૂ કોણે ભરાવ્યો? અને કોને ત્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? તે શોધવા સહિત ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.