ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાની કારણે જાનહાની ટળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં છેલ્લાં ઘણાં સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં સુરત પાસે કિમ સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. નોંધનીય છે કે, ગત મહિને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી.
પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેશનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો. એન્જીન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે. જોકે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાની કારણે મોટી દુર્ઘટના ટળી છે.
ગત મહિને પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના નૉલપુરમાં શાલીમાર-સિંકદરાબાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન અકસ્માતનો શિકાર થઈ હતી. જેમાં ટ્રેનના ત્રણ ડબ્બા પાટાથી નીચે ઉતરી ગયા હતાં. આ સિવાય ગત મહિને ૨૬ નવેમ્બરે છત્તીસગઢ ભનવારટંક રેલવે સ્ટેશન પાસે એક માલગાડીના અગિયાર ડબ્બા પાટાથી નીચે ઉતરી ગયા હતાં. જેના કારણે ઘણી ટ્રેનને રદ્દ કરી દેવામાં આવી હતી. વળી, ૯ ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો હતો.
છેલ્લાં ઘણાં સમયથી બની રહેલી આવી ઘટનાઓના કારણે ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. ભારતીય રેલવેમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુસાફરી કરતાં હોય છે. ત્યારે અવાર-નવાર બનતી આવી ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.