વીજબીલથી બચવા અને લોકજાગૃતિ માટે લેવાયો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર મહાનગર પાલિકા દ્રારા વીજબીલથી બચવા અને લોકજાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગર શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમા સોલાર ટ્રી ટાવર બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ અને બાળકો માટે પ્રિય એવા એમ્યુઝમેન્ટ પાર્કમા ૨૦ કીલો વોટનુ એક સોલાર ટ્રી હોય તેવા ૫ ટાવર એમ્યુઝમેન્ટ પાર્કમા મુકવામાં આવશે. અંદાજે ૧ કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવવામાં આવશે.
જામનગર મનપાના ડે. ઇજનેર રુષભ મહેતાએ જણાવ્યું કે તંત્રના આ ર્નિણયથી એમ્યુઝમેન્ટ પાર્કમા વીજબીલથી રાહત મળી શકશે, સાથે ટાવર એવી રીતે તૈયાર કરાશે જેનાથી નીચે બેઠક વ્યવસ્થા અને ચાર્જિંગ પોઈન્ટ મુકાશે. પાર્કમા આવા સોલાર ટ્રી ટાવરથી તે પાર્કની શોભા વધશે સાથે જ તે વધુ ઉપયોગી બનશે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ભવિષ્યમાં અન્ય જાહેર સ્થળોએ પણ આ પ્રકારના સોલાર ટ્રી ટાવર મુકવાનુ આયોજન દ્વારા કરવામા આવ્યુ છે. જાહેર સ્થળો જગ્યાનો ઉપયોગ કરી, તેમાથી વિજળી મેળવી વીજ ખર્ચમા રાહત મેળવી શકાશે. “પર્યાવરણ બચાવો” સંદેશની સાથે વધુ લોકો, સંસ્થા કે કંપની પણ આવા સોલાર ટ્રી ટાવર મુકે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામા આવી છે.