ST નિગમ રાજ્યમાં અંદાજિત ૮૫૦૦થી વધુ બસ થશે કેશલેશ
૧૮૫૦ બસો માટે ૩૦૦૦થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ ફાળવવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં બસમાં મુસાફરી કરતાં લોકોને મોટી રાહત મળી છે. બસમાં મુસાફરી કરતાં લોકોને ટિકિટ માટે છૂટા રૂપિયામાંથી મુક્તિ મળી છે કારણ કે ST નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ ૧૮૫૦ બસો માટે ૩૦૦૦થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ ફાળવવામાં આવ્યા છે. દૈનિક સરેરાશ ૧૫ હજાર જેટલા ડિજિટલ ટ્રાન્જેક્શનના માધ્યમથી ST નિગમને રૂપિયા ૧૩ લાખની આવક કરાવી રહ્યા છે. UPI પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં ૩૭ લાખ કરતા વધુ મુસાફરોએ નિગમને રૂ. ૩૦.૫૩ કરોડથી વધુની આવક કરાવી છે.
ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ‘ડિજિટલ ગુજરાત’ના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત ૮૫૦૦થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે.
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ ૧૮૫૦થી વધુ બસોમાં ૩૦૦૦થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ / ‘સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીગ મશીન’ ફાળવવામાં આવ્યા છે. ‘ડિજિટલ ગુજરાત’ થકી ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપી ગુજરાત ST માં સરેરાશ ૧૫ હજાર જેટલા મુસાફરો ડિજિટલ ટ્રાન્જેક્શનના માધ્યમથી ST. નિગમને દૈનિક રૂ. ૧૩ લાખની આવક કરાવી રહ્યા છે. UPI પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં ૩૭ લાખ કરતા વધુ મુસાફરોએ રૂપિયા ૩૦.૫૩ કરોડથી વધુની આવક કરાવી ‘ડિજિટલ ટ્રાન્જેક્શન’ પર ભરોસો મુક્યો છે. જેમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.
ગુજરાત એસ.ટી નિગમ દ્વારા નાગરીકોને હવે મુસાફરી કરવામાં રોકડ કે છુટા પૈસા પોતાની જોડે રાખવાની જરૂર રહેશે નહિ. નિગમે ‘ડિજિટલ ઇન્ડિયા – ડિજિટલ ગુજરાત’ને પ્રોત્સાહન આપવા તેમજ રોકડ નાણાંના વિકલ્પ રૂપે મુસાફરો બસની અંદર જ ટિકિટીંગ મશીનમાં ડાયનામિક UPI ના માધ્યમથી ડિજિટલ ટ્રાન્જેક્શન દ્વારા ટિકિટ મેળવી શકે છે.
ગુજરાત એસ.ટી નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં ચાર વિભાગના ૩,૦૦૦ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં ઊઇ આધારિત UPI પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મુસાફરો પોતાના ફોનથી UPI અથવા ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ મારફતે પોતાની ટિકિટ લઇ શકે છે, જો કોઈ કારણસર મુસાફરનું ટ્રાન્જેક્શન રદ્દ થાય તો માત્ર એક જ કલાકમાં મુસાફરોને તેમની આ રકમ ડિજિટલ માધ્યમ થકી પોતાના બેંક એકાઉન્ટમાં પરત મળી જાય છે.