ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારે હાસ્યનો માહોલ સર્જાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના શિક્ષણ વિભાગને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારના શિક્ષણ વિભાગમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુરુષ શિક્ષકને ગર્ભવતી બતાવીને પ્રસૂતિ રજા આપવામાં આવી હતી. બિહારમાં મહિલા શિક્ષિકાની સાથે સાથે શું પુરૂષ શિક્ષકોને પણ પ્રસૂતિ રજા મળવા લાગી છે ? જોકે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારે હાસ્યનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાજીપુર મહુઆ બ્લોક વિસ્તારની હસનપુર ઓસાટી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા જિતેન્દ્ર કુમાર સિંહ નામના શિક્ષકને શિક્ષણ વિભાગના પોર્ટલ ઈ શિક્ષા કોશ પર ગર્ભવતી બતાવવામાં આવ્યા હતા અને તેમને પ્રસૂતિ રજા આપવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠી રહ્યા છે.શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, પોર્ટલમાં થયેલી તકનીકી ખામીને કારણે આ ભૂલ થઈ ગઈ હતી. બ્લોક એજ્યુકેશન ઓફિસર અર્ચના કુમારીએ આ ભૂલ સ્વીકારી છે અને કહ્યું છે કે પુરુષ શિક્ષકોને પ્રસૂતિ રજા આપવાનું કોઈ નિયમ નથી. આ ખામીને જલ્દીથી સુધારી લેવામાં આવશે. લોકો આ ઘટનાને શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલીમાં ગંભીર ખામી તરીકે જોઈ રહ્યા છે.