હુમલો કરી કેસમાંથી ખસી જવા ધમકી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં ડીજીની ક્રાઈમ કોન્ફરન્સ પત્યાના કલાકો અને ગુના નિયંત્રણની મોટી વાતો થઈ છે, ત્યાં જ આ કોન્ફરન્સ પૂર્વે જ પોલીસ કર્મચારીની હત્યાના આરોપી અને પેંડા ગેંગના સાગરિતે સાક્ષીના ભાઈ પર ખૂની હુમલો કરીને આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીઓએ હત્યા કેસના સાક્ષીના ભાઈ અને તેના મિત્રો પર છરી વડે હુમલો કરી કેસમાંથી ખસી જવા ધમકી આપી હતી.
આ મામલે રાજકોટના કોઠારિયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.૦૩માં રહેતાં રમેશભાઈ દેવરાજભાઇ ગજેરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, ગત ૧૮મી ડિસેમ્બરે રાત્રીના દસેક વાગ્યાની આસપાસ તેઓ તેના મિત્ર દિવ્યેશભાઈ, દેવ ટાંક સહિતના મિત્રો કામ અર્થે ગોંડલ ચોકડી ખાતે દિવ્યેશભાઈની કાર લઇ ગયા હતા.
આ વખતે રાજો જાડેજા, ચિરાગ ઉર્ફે બકાલી, અજાણ્યો ઇસમ તેમજ બીજા બાઈક પર ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો અને ત્રીજા બાઇકમાં પીયૂષ સોલંકી, મનિયો મિસ્ત્રી અને છોટુ બેસેલ હતા.આરોપીઓએ નજીકમાં પડેલ પથ્થર લઈ ગાડી પર છૂટા ઘા મારી ગાડીના કાચ ફોડી નાંખ્યા હતાં.દિવ્યેશને બકાલીએ છરીથી હાથમાં ઘા ઝીંક્યા હતા. દેવ ટાંકને પણ રાજા જાડેજાએ છરીનો ઘા ઝીંકતા મારામારીના કારણે દેકારો થતો હતો. જેથી રોડ પર માણસો ભેગા થવા લાગતા રાજાએ કહ્યું હતું કે, હવે આગળ કોઈ મારા કેસમાં નડતો નહી, નહીતર મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયા હતા. બાદમાં મને અને મારા બે મિત્રોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આજથી આઠેક વર્ષ પહેલાં રાજા જાડેજાએ પોલીસ કર્મચારી ભરત ગઢવીનું મર્ડર કર્યું છે. તેમાં તેમનો નાનો ભાઇ જિગ્નેશ નજરે જોનાર તાજનો સાક્ષી હોઇ જેણે રાજા વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી છે. જેનો ખાર રાખી રાજા જાડેજા અને તેના માણસોએ હુમલો કર્યો હતો.