પાર્ટી પ્લોટના બુકિંગમાં મસમોટા ગોટાળા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લગ્નપ્રસંગ માટે કે વિવિધ સામાજીક પ્રસંગો, કાર્યક્રમો યોજવા જરૂરિયાતમંદ લોકો કોર્પોરેશન હેઠળ ચાલતા પાર્ટી પ્લોટ કે હોલ બુક કરાવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણા હોલ પણ બનાવ્યા છે. પરંતુ યોગ્ય માર્ગદર્શિકા અને દેખરેખના અભાવે અહીં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જરૂરિયાતમંદ લોકો પાસેથી વધુ નાણાં લઈ હોલ બુક કરાવવાનો કૌભાંડનો પર્દાફાશ ખતા કમિશ્નરે મિલકતનો દુરૂપયોગ કરવા બદલ પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપ્યો છે.
અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં પુનિતનગર પાર્ટી પ્લોટના બુકિંગમાં મસમોટા ગોટાળા થયાનું સામે આવતા કમિશ્નરે તપાસ આદરી હતી. જેમાં પ્લોટના સિક્યુરિટી ગાર્ડ અને પિયુષ ડેકોરેટર્સના રાજેશભાઈએ ખોટા નામ લખી પાર્ટી-પ્લોટનું એડવાન્સ બુકિંગ કરી દેતા હતા. જ્યારે જરૂરિયાતમંદ લોકો પ્લોટનું બુકિંગ કરાવવા આવે ત્યારે વધુ પૈસા લઈ બુકિંગ કરતા હતા. આણંદના રહેવાસીના નામે બુકિંગ કર્યુ હોવાનું જાણવા મળતાં તપાસ કરાઈ તો માલૂમ પડ્યું કે તેમને આવું કોઈ પાર્ટીપ્લોટનું બુકિંગ કર્યુ નથી.
બે મહિના પહેલા ગાર્ડ અને ડેકોરેટર્સને કુલ રૂપિયા ૧.૨૧ લાખ ચુકવ્યા હોવાનું સ્વીકાર્યુ હતું. આ મામલે કૌભાંડ બહાર આવતા મ્યુનિ. કમિશ્નરે એસઓપી તૈયાર કરી સુરક્ષા એજન્સીને મસમોટી રકમનો દંડ તેમજ મ્યુનિ. મિલકતનો દુરૂપયોગ કરવા બદલ ડેકોરેટર્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.