હિન્દુઓએ પૂજા કરવા માટે તંત્રનો અનુરોધ કર્યો
મંદિરની રચના અકબંધ છે અને સ્થળ અંગે કોઈ વિવાદ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંભલ, કાશી અને અલીગઢ બાદ હવે યુપીના બુલંદશહેર જિલ્લામાં પણ ૫૦ વર્ષ જૂનું બંધ મંદિર મળી આવ્યું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે હિન્દુ સંગઠનોએ પ્રશાસનને વિનંતી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને જાટવ વિકાસ મંચના અધિકારીઓએ જિલ્લા વહીવટીતંત્રને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા વિનંતી કરી જેથી ધાર્મિક પ્રવૃત્તિઓ ફરી શરુ કરી શકાય.
વિશ્વ હિન્દુ પરિષદના મેરઠ રાજ્યના અધિકારી સુનિલ સોલંકીએ જણાવ્યું કે, ‘આ વિસ્તારમાં રહેતાં હિન્દુ પરિવારોએ સ્થળાંતર કરવાથી ખુર્જામાં સ્થિત આ મંદિર ૧૯૯૦થી બંધ છે. જિલ્લા વહીવટી તંત્રને મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે. જેમાં પૂજા કરવા માટે મંદિરની સફાઈ અને બ્યુટિફિકેશન કરવા અનુરોધ કરાયો છે.’ તેમજ જાટવ વિકાસ મંચના પ્રમુખ કૈલાશ ભાગમલ ગૌતમે જણાવ્યું હતું કે, ‘મંદિર લગભગ ૫૦ વર્ષ જૂનું છે, જે મૂળ જાટવ સમુદાયના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું હતું.’
SDM એ જણાવ્યું કે, ‘જાટવ સમુદાય લગભગ ત્રણ દાયકા પહેલાં આ વિસ્તાર છોડી ગયો હતો. એવું કહેવાય છે કે સમુદાયના એક પરિવાર દ્વારા ખુર્જા મંદિરની મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મંદિરની રચના અકબંધ છે અને સ્થળ અંગે કોઈ વિવાદ નથી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.’
જાટવ વિકાસ મંચના પ્રમુખ કૈલાશ ભાગમલ ગૌતમે જણાવ્યું હતું કે, ‘મંદિર લગભગ ૫૦ વર્ષ જૂનું છે, જે મૂળ જાટવ સમુદાયના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું હતું. ૧૯૯૦ના રમખાણો પછી સમુદાયે પોતાનું રહેઠાણ બદલી નાખ્યું અને ત્યારથી મંદિર બંધ છે. વિશ્વ હિન્દુ પરિષદ સાથે મળીને મંચે મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ફરી શરુ કરવા માટે વિનંતી કરી છે.’
અગાઉ, ૧૪ ડિસેમ્બરે સંભલ પ્રશાસને શહેરમાં સાંપ્રદાયિક રમખાણો પછી ૧૯૭૮થી બંધ કરાયેલા મંદિરને ફરીથી ખોલ્યું હતું. ખુર્જામાં આ મંદિર સંભલના શિવ મંદિરના એક અઠવાડિયા પછી મળ્યું હતું જે ૧૯૭૮થી બંધ હતું. સંભલ બાદ વારાણસીના મુસ્લિમ બહુલ મદનપુરા વિસ્તારમાં પણ ૨૫૦ વર્ષ જૂનું મંદિર મળી આવ્યું છે. આ મંદિર એક ઘરની અંદર છે, જેને મુસ્લિમ વ્યક્તિએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. જોકે હિન્દુ સંગઠનોએ પ્રશાસનને આવેદનપત્ર આપી મંદિરમાં પૂજા કરવાની માંગ કરી છે.