બિઝનેસમેન સાથે કર્યા લગ્ન
નજીકના સંબંધીઓની સાથે કેટલીક હસ્તીઓએ આપી હાજરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. પીવી સિંધુના લગ્નમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. તેણે વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા છે. તેઓ એક બિઝનેસમેન છે. સિંધુ અને વેંકટે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સિંધુના લગ્નમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ પહોંચ્યા હતા. તેમણે આ ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.
પીવી સિંધુના લગ્નમાં નજીકના સંબંધીઓની સાથે કેટલીક હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે મંગળવારે રિસેપ્શન યોજાશે. ઘણા દિગ્ગજો તેના રિસેપ્શનમાં પહોંચી શકે છે. સિંધુએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ આમંત્રણ આપ્યું હતું. તે પોતે વેંકટ સાથે સચિનના ઘરે ગઈ હતી. સિંધુ અને વેંકટે ઉદયપુરની હોટેલ રાફેલ્સમાં લગ્ન કર્યા હતા.
સામાન્ય રીતે દુલ્હન લગ્ન માટે લાલ પોશાક પહેરેલી જોવા મળે છે. પરંતુ સિંધુએ ખાસ સાડી પહેરી હતી. તેણે ગોલ્ડન ક્રીમ રંગની સાડી પસંદ કરી હતી. આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નમાં પણ ખાસ ડ્રેસ જોવા મળ્યો હતો. સિંધુ ગોલ્ડન ક્રીમ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ૨૯ વર્ષીય પીવી સિંધુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. ૫ જુલાઈ ૧૯૯૫ના રોજ હૈદરાબાદમાં જન્મેલી પીવી સિંધુનું આખું નામ પુસર્લા વેંકટ સિંધુ છે. ઓલિમ્પિકમાં સિંધુ એક માત્ર બેડમિન્ટન ખેલાડી છે. જેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યા છે. પીવી સિંધુએ પોતાના કરિયરમાં અત્યારસુધી મોટું નામ કમાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ પીવી સિંધુની ટોટલ નેટવર્થની વાત કરીએ તો સિંધુની નેટવર્થ અંદાજે ૬૦ કરોડ રુપિયા છે.