સોમનાથ સૂર્યવંશીની હત્યા માટે ફડણવીસ જવાબદાર
મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના હિંસાગ્રસ્ત વિસ્તાર પરભણી પહોંચ્યા હતા. અહીં તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મૃત્યુ પામેલા પરભણીના યુવક સોમનાથ સૂર્યવંશીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે સૂર્યવંશીના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મેં પરભણી કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો, વીડિયો અને તસવીરો પણ જોઈ, તેમાં ૧૦૦ ટકા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સોમનાથ સૂર્યવંશીનું મૃત્યુ પોલીસ કસ્ટડી દરમિયાન જ થયું છે. તેમની હત્યા કરવામાં આવી છે, તેમ છતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભામાં ખોટું બોલ્યા છે.’ તેમણે દાવા સાથે કહ્યું કે, ‘આ હિંસા પાછળ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જ જવાબદાર છે.’
પરભણીની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘મેં સોમનાથ સૂર્યવંશીના પરિવાર અને જેમને માર મરાયો છે તે લોકો સાથે મુલાકાત કરી હતી. તેઓએ મને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દેખાડ્યો, વીડિયો અને તસવીરો પણ દેખાડી, જેમાંથી ૧૦૦ ટકા સ્પષ્ટ કહી શકાય કે, તેમનું મોત કસ્ટડીમાં જ થયું છે. તેમની હત્યા કરવામાં આવી છે, તેમ છતાં મુખ્યમંત્રી પોલીસને સંદેશ આપવા માટે વિધાનસભામાં ખોટું બોલ્યા. આ યુવકની હત્યા એટલા માટે કરવામાં આવી, કારણ કે તેઓ દલિત હતા અને બંધારણની રક્ષા કરી રહ્યા હતા.’
રાહુલે વધુમાં કહ્યું કે, ‘RSS ની વિચારધારા બંધારણ નષ્ટ કરવાની છે. અમે ઈચ્છીએ છીએ કે, આ ઘટનાનો ત્વરીત નિવેડો લાવવામાં આવે અને આવું કૃત્ય કરનારાઓને સજા મળે. આમાં કોઈપણ રાજકારણ થઈ રહ્યું નથી, વિચારધારા જ જવાબદાર છે. મુખ્યમંત્રીએ આવું નિવેદન આપ્યું હોવાથી તેઓ જ જવાબદાર છે. તેમણે જ તેમની હત્યા કરી છે. આ ઘટનામાં વહેલીતકે કાર્યવાહી થવી જોઈએ.’ આ પહેલા NCP ના વરિષ્ઠ નેતા શરદ પવાર અને નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર પરભણીની મુલાકાતે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે કોઈ અજાણ્યા શખસે પરભણી રેલેવ સ્ટેશન બહાર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન કર્યું હતું. ત્યારબાદ આગચંપી અને પથ્થરમારાની ઘટના શરૂ થઈ છે. બંધારણનું અપમાન કરાતા અનેક સંગઠનોમાં રોષ ફેલાયો હતો અને તેમણે અનેક શહેરોમાં બંધની અપીલ કરી હતી. જોકે બંધ દરમિયાન અચાનક લોકો ભડકી ગયા અને અનેક સ્થળે આગચંપી, પથ્થરમારો અને વાહનો સળગાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સ્થિતિ બેકાબુ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હિંસા બાદ પરભણી પોલીસે ૧૨મી ડિસેમ્બરે સૂર્યવંશી સહિત ૩૦૦ લોકોની અટકાયત કરી હતી. જોકે ૭૨ કલાક બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં સોમનાથનું મોત થયું હતું.