અડલજમાં દાંતા સ્ટેટ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારનું સંબોધન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરના અડાલજ ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુની ઉપસ્થિતિમાં આયોજિત પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ સાથે નવી પાર્ટીના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ દાંતા સ્ટેટ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની વરણી પણ કરાઈ હતી. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ રિદ્ધિરાજસિંહજી પરમારે પક્ષના ભાવિ માટેના તેમના વિઝનની રૂપરેખા આપી હતી. રિદ્ધિરાજસિંહજી પરમારે જણાવ્યું હતું કે, આ પ્રજાની પાર્ટી છે, જ્યાં નેતાનું ભાષણ નહિ, પરંતુ પ્રજા સાથે સીધો સંવાદ અને તેમની સમસ્યા દૂર કરવાના વિઝન સાથેની પાર્ટી છે.’
આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘પક્ષો આવવાના અને જવાના છે. જે જનતા પાર્ટી ૧૯૭૦માં સરકાર લાવી, કયા છે એ પાર્ટી? કયા છે એ પાર્ટીઓ? પરંતુ જાહેર જીવનમાં કેવા લોકોના હાથમાં સુકાન છે એ મહત્વનું છે. ક્યારે શું હશે એ કલ્પના હોય, વહીવટની કલ્પના હોય. અમે લોકો જાહેર જીવનમાં ડબલું કૂટવા નથી આવ્યા, MP-MLA બનવા નથી આવ્યા. પાર્ટીના હાથમાં છે કે પ્રજાને જીવતી રાખવી, ડરમાં રાખવી, મજા કરાવવી કે મોંઘવારીમાં રાખવી! પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ૨૦૨૧માં ભારતના ચૂંટણી આયોગમાં માન્ય પક્ષની મંજૂરી મળી હતી, અને ૨૦૨૩માં રાજ્ય ચૂંટણી આયોગે માન્યતા આપી હતી.’
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. શંકરસિંહે કહ્યું હતું કે, ‘રાજકીય પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે, મેરીટવાળા કાર્યકરોને પૂરા કરવાનું કાવતરું ચાલે છે. જે પાર્ટી પોતાની પાર્ટીઓના અંદરના લોકોનું અહિત કર્યું છે અને પોનજી સ્કીમ વાળાને ટોપી પહેરાવવાની અને બુટલેગરને સ્ટેજ પર પગે લાગવાનું.’ બાપુએ તેમના પાર્ટીના કાર્યકરોને કહ્યું કે, ‘મરી ગયેલી પ્રજા છે અને તમે મારશો? પોલીસ, કોર્ટ, અધિકારીઓ મારશે, તમે એને ના મારશો, એને ના છેતરશો.’
શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘જે લોકો ખરાબ હોય તે તેમની પાર્ટીમાં ન આવે. એવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં આવી નથી. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી નવી દિશા છે, લોકોમાં ભય દૂર કરવા અને પ્રજાને દુખમાંથી બહાર કાઢવા માટેની પાર્ટી છે. રાજ્યમાં તમામ વર્ગો મોંઘવારી, બેકારી અને અસલામતીથી દુઃખી છે.’ તેમણે લોકોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું અને બદલામાં શક્તિ આપવાનું વચન આપ્યું હતું. ડરવાની જરૂર નથી, પરંતુ નીડર બનીને લીડર બનવાની જરૂર છે.
આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ મોરારજી દેસાઈને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, ‘જાહેર જીવનમાં ‘ડબલ સ્ટાન્ડર્ડ’ ન હોવું જાેઈએ.’ તેમણે તેમના સાથી રાજેન્દ્રસિંહના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો. જેમણે જાહેરમાં દારૂ પીવાની વાત સ્વીકારી હતી. વાઘેલાએ કહ્યું હતું કે ‘તેમના દરબારોમાં પ્રસંગોપાત દારૂ પીવો સામાન્ય બાબત છે.’ જણાવી દઈએ કે, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે જાહેરમાં સ્વીકાર્યું હતું કે, તેઓ દારુનું સેવન કરે છે અને તેમની પાસે મેડિકલ લાયસન્સ પણ છે.
વાઘેલાએ વર્તમાન આર્થિક સ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જો આજે મનમોહનસિંહ વડાપ્રધાન હોત તો રૂપિયો મજબૂત સ્થિતિમાં હોત. તેમણે પક્ષોની ક્ષણભંગુરતા પર ભાર મૂક્યો હતો અને જનતા પાર્ટી અને એમજેપી જેવા ભૂતકાળના પક્ષોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાર્ટીની કમાન કોના હાથમાં છે તે ખૂબ જ મહત્વનું છે. ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને લઈને આરોપ લગાવતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, એક પાર્ટીની મહેરબાનીથી આવા કૃત્યો ચાલે છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે ગુજરાતમાં દારૂબંધી નીતિની ટીકા કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂની કિંમતો અવાસ્તવિક રીતે ઊંચી છે. અન્ય રાજ્યોમાં ૧૦૦ રૂપિયાની બોટલ ગુજરાતમાં ૫૦૦ રૂપિયામાં વેચાય છે. દારૂબંધીથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં જાય છે. પંચમહાલ વિસ્તારમાં મહુડાનો દારૂ ખુલ્લેઆમ પીવાય છે. નબળી ગુણવત્તાના દારૂના સેવનથી યુવાન વિધવાઓની સંખ્યા વધી રહી છે. મને હૃદયની તકલીફ હોવાથી ડૉક્ટરની સલાહથી ત્રણ પેગ દારૂ લેવાની પરવાનગી છે.’ તેમના મતે દારૂબંધી હટાવવાથી, રાજ્યને કર દ્વારા આવક થશે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસ થઈ શકશે, ભ્રષ્ટાચાર ઘટશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી પાર્ટીના સભ્યો, મહાનુભાવો અને સમર્થકોએ હાજરી આપી હતી. જેમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગુજરાતના વિવિધ જિલ્લા શહેરમાંથી ખાસ યુસુફ પરમાર, ભારતસિંહ પરમાર (નડિયાદ), કિશોરસિંહ સોલંકી, મુકેશ જિયાની (સુરત), પ્રેમજીભાઈ પટેલ, કીર્તિભાઈ ચૌધરી, જયપ્રકાશ ઠાકર, સંદીપ માંગરોળા જેવા પીઢ નેતાઓ પાર્ટી સાથે જાેડાયા છે.
પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષ દાંતા સ્ટેટ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૮૧ના રાજસ્થાનના જયપુરમાં થયો હતો. તેમના માતા રાજમાતા ચંદ્રકુમારી કરોલી સ્ટેટના રાજવી પરિવારના છે, જે રાજવી પરિવાર ભગવાન કૃષ્ણના વંશની ઓળખ ધરાવે છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જમનાબાઈ સ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ મીઠીભાઈ કોલેજથી પ્રાપ્ત કરેલ છે.