લગ્ન પ્રસંગે જતી બસ, ડમ્પર પાછળ લક્ઝરી અને એક કારને અકસ્માત નડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ત્રણેય અકસ્માતની દુર્ઘટનામાં ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ધોળકાના બેગવા ચોકડી પાસે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ, સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં લગ્ન પ્રસંગે જતી બસ, ડમ્પર પાછળ લક્ઝરી અને એક કારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક અકસ્માતની ઘટનામાં સિદ્ધપુરથી જામનગર જતી બસ સાયલા નજીકની એક ખાણમાં પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે બીજી એક ઘટનામાં ચોટીલા તરફ જતા ડમ્પર પાછળ લક્ઝરી ઘૂસી જતા અકસ્માત થયો હતો.
આ બંને અકસ્માતની ઘટનામાં ૧૬ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ચાર લોકોને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી ન હતી.
જ્યારે ત્રીજી એક ઘટનામાં ધોળકાના બેગવા ચોકડી પાસે કોઠ તરફથી આવતા કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડની સાઈડમાં ઉભેલા દશરથભાઈ ખોરડીયા નામના શખસને કાર ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં દશરથભાઈનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.