બાપુનગર બાદ હવે અસારવામાં લુખ્ખાઓનો આતંક જોવા મળતા અમદાવાદ પોલીસ પર ઉઠ્યા સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્ત્વોનો આતંક વધતો જાય છે. માથાભારે તત્ત્વોને કાયદાનો ડર રહ્યો નથી હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો રખિયાલ અને બાપુનગરમાં આતંક મચાવવાની ઘટનાને ચોવીસ કલાક પણ પુરા થયા ન હતા ત્યાં તો અમદાવાદના અસારવા બ્રીજ પાસે કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા ખુલ્લેઆમ ઉઘાડી તલવારો લઇ સ્થાનિક રહીશોમાં ભય ફેલાવતાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોને જોતા લાગે છે કે તોફાની તત્વોને પોલીસનો પણ ભય રહ્યો નથી. વીડિયો વાયરલ થતાં શાહીબાગ પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર અમદાવાદના અસારવા બ્રીજ નીચે કુબેરપુરા ભીલવાસમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ સરેઆમ જાહેરમાં ઉઘાડી તલવાર રાખી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ વીડિયોમાં દેખાતા વિશાલ ઉર્ફે રામ દિનેશભાઇ ઢુંધીયા અને સુરેશ ઉર્ફે મનુભાઇ ભીલ (રાણા)ને પકડી પાડી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીઓ વિરૂદ્ધ અગાઉ પણ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. વિશાલ ઉર્ફે રામ વિરૂદ્ધ ૧૩ ગુના નોંધાયેલા છે. જ્યારે સુરેશ ભીલ વિરૂદ્ધ પાસા વિરૂદ્ધ ૧૦ ગુના નોંધાઇ ચૂક્યા છે. શાહીબાગ પોલીસે આ બંને ધરપકડ કર્યા બાદ તેમને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં નાગરીકો પાસે માફી મંગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.