૯૯ લાખનો મુદ્દામાલ પકડાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિંમતનગરના કુખ્યાત બૂટલેગરે હરિયાણાથી કન્ટેનર ભરીને વિદેશી દારૂની બોટલો મંગાવી હતી. રાત્રિના સમયે દારૂનો જથ્થો દહેગામ તાલુકાના કદજોદરા ગામે ગૌચરની ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવતો હતો. કન્ટેનરમાંથી દારૂની પેટીઓને નાની-નાની ગાડીઓમાં ટ્રાન્સફર કરવાનો હતો. જોકે કટિંગનું આ કામ પાર પડે તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને કન્ટેનર, પાંચ કાર અને દારૂની ૭,૭૬૯ બોટલ સહિત કુલ રૂ. રૂ.૯૯ લાખનો મુદ્દામાલ પકડાયો હતો.
રાજસ્થાન બોર્ડર થઈને હરિયાણામાંથી દારૂ ભરેલું કન્ટેનર મંગાવ્યા બાદ દહેગામ તાલુકાના કડજોદરા ગામમાંથી તેનું કટિંગ થતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. કન્ટેનરમાંથી દારૂની પેટીઓને રાજ્યના અન્ય વિસ્તારમાં સગેવગે કરાય તે પહેલાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ડીડી-૦૧-સી-૯૯૯૬ નંબરનું ટ્રક-કન્ટેનર ઊભેલું હતું. તેમાંથી કેટલાક ઈસમો ખાખી કલરના બોક્સ ઉતારીને જમીન પર મૂકતાતા હતા અને નજીકમાં અન્ય વાહનો પડેલા હતા. કન્ટેનરમાંથી ખાલી થતો દારૂ લેવા માટે અન્ય પાંચ કાર આવેલી હતી. જેમાં બે ક્રેટા, એક રેનોલ્ટ, એક ડસ્ટર અને એક મહિન્દ્રા મરાઝોનો સમાવેશ થાય છે.
કન્ટેનરમાંથી અલગ-અલગ કારમાં દારૂ મૂકાય તે પહેલાં જગ્યાને કોર્ડન કરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોતાં જ બૂટલેગરોમાં નાસ-ભાગ મચી હતી અને પાંચ જેટલી કારના ડ્રાઈવર તથા કેટલાક ઈસમો નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે કન્ટેનર લઈને આવેલા ડ્રાઈવર પ્રેમસિંગ દેવીસિંગ રાવત (રહે. સમેલ, જિ. પાલી, રાજસ્થાન), દહેગામ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરતાં ગુણવંતભાઈ લાભશંકર મહેતા (રહે. લબ્ધિ સોસાયટી, નેહરુ ચોક, દહેગામ) તથા હુસેન ઉર્ફે બાટલા ઈસ્માઈલભાઈ ધોળકાવાળા (રહે. પોપટલાલ મોહનલાલની ચાલી, સરસપુર, અમદાવાદ)ને સ્થળ પરથી પકડી લીધા હતા.
સ્થળ પરથી પોલીસે રૂ.૨૫.૦૩ લાખની કિંમતની વિદેશી દારૂની ૭,૭૬૯ બોટલ, કન્ટેનર અને છ કાર સહિત કુલ રૂ.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, હિંમતનગરના વિમલ વ્યાસે દારૂ ભરેલું કન્ટેનર મંગાવ્યું હતું. આ કન્ટેનર કડજોદરા પહોંચ્યું હોવા બાબતે હરિયાણાથી ફોન આવ્યો હતો. લોકેશનના આધારે વિમલ વ્યાસ અને બાટલા ધોળકાવાલા ગાંધીનગર રિલાયન્સ ચોકડીથી કડજાેદરા જવા નીકળ્યા હતા. રસ્તામાં લોકેશન બાબતે મૂંઝવણ થતાં દહેગામના વકીલ ગુણવંત મેહતાને સાથે લીધા હતા.વકીલાતની આડમાં બૂટલેગર બનેલા દહેગામના ઈસમ સહિત ત્રણ આરોપીની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી હતી, જ્યારે અંધારાનો લાભ લઈને અન્ય આરોપીઓ નાસી છૂટ્યા હતા. દારૂ મોકલનાર, મંગાવનાર અને કટિંગ માટે વાહનો લઈને આવેલા ઈસમો સહિત અન્ય ૧૫ આરોપીને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.
ડ્રાઈવર પ્રેમસિંગે હરિયાણાથી ટ્રકમાં દારૂની પેટીઓ ભરી હતી. દારૂને સંતાડવા માટે બાદમાં ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે તેમાં ૧૧૬ ફ્રિજ ભરવામાં આવ્યા હતા. ફ્રિજના બોક્સની આડમાં દારૂ સંતાડી દેવાયો હતો અને દારૂ મોકલનારા ઈસમે રાજસ્થાનનો ચિરાગ પંચોલી કહે તે સ્થળે જવાની સૂચના આપી હતી. ડ્રાઈવર હરિયાણાથી રાજસ્થાન અને ત્યારબાદ શામળાજીના રસ્તે હિંમતનગર પહોંચ્યો હતો.
ચિરાગ પંચોલી સાથે તેણે ફોન પર વાત કરી હતી અને તેની સૂચના મુજબ દહેગામ નજીક રાત્રે ૧૧ વાગ્યે એક ઈસમ આવ્યો હતો. આ ઈસમે કડજાેદરા ગામે ઝાડીઓની વચ્ચે અવાવરુ જગ્યામાં કન્ટેનર પાર્ક કરાવ્યું હતું. કન્ટેનર પહોંચ્યું તેના થોડા સમયમાં જ પાંચ જેટલી કારમાં અન્ય લોકો આવી પહોંચ્યા હતા. દારૂ મંગાવનાર વિમલ વ્યાસ, ગુણવંત મેહતા અને બાટલા સહિતના લોકો દારૂને સગેવગે કરવાની પેરવીમાં હતા ત્યારે જ દરોડો પડ્યો હતો.