ભારતના બજારોમાં સોપારી વેચતા ૫૫૦ કરોડની કરચોરી કરવામાં આવી હોવાના ખુલાસા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના મુંદ્રા બંદર, કંડલા બંદર મુખ્યત્વે હવે સ્મગલિંગનું હબ બની ગયું હોય એમ લાગી રહ્યું છે. સોપારી પર ૧૧૦ ટકા કસ્ટમ્સ ડ્યુટી લાગે છે ત્યારે વરસૂરૂ ઈમ્પેક્ષ કંપનીના માલિક નવાઝ ચૌધરીએ મલેશિયા અને સિંગાપુરમાંથી સોપારી કંડલા બંદરે પહોંચાડી હતી જ્યાંથી તેને વિદેશ સપ્લાય કરવા ઉતારી હતી. પણ ભારતના બજારોમાં વેચીને ૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યા હોવાનું DRI તપાસમાં બહાર આવ્યું છે.
દિલ્હીની વરસુરૂ ઈમ્પેક્ષના માલિક નવાઝ ચૌધરી આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાતા ED એ ઊંડી તપાસ શરૂ કરી હતી. વિદેશના બહાને ભારતના બજારોમાં સોપારી વેચતા ૫૫૦ કરોડની કરચોરી કરવામાં આવી હોવાના ખુલાસા થયા છે. કન્ટેનરો કંડલા બંદરમાં વેરહાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા. પોર્ટ પરથી કન્ટેનરો નીકળે ત્યારે હાઈવે પરથી સૌપારી કાઢી રેતીની ગુણો ભરી દેવાતી હતી.
છેલ્લા ૪ વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાનું પણ ખુલાસો થયો છે. લોકલ માર્કેટમાં માલ વેચી દેવામાં આવ્યો હોવાની બાતમીના આધારે DRI એ તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદમાં ગુટખા બનાવતા વેપારીઓને સોપારી વેચી દેવાઈ હતી. તેમજ તપાસમાં એક બાદ એક તાર જોડાતા દિલ્હીના નવાઝ ચૌધરીનું નામ સામે આવી તેની ધરપકડ કરી દેવામાં આવી છે. ED ના સૂત્રોના મતે અમદાવાદ, સુરત, આણંદ, નડિયાદ અને કચ્છમાં પણ ગુટખા બનાવતી ફેક્ટરીઓને સોપારીનું વેચાણ કરવામાં આવી હતી. જેમાં જૈન બ્રધર્સની ગુટખા કંપનીઓને પણ સોપારી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.