ધક્કાકાંડ બાદ બંને પક્ષ દ્વારા નોંધાવાઈ હતી FIR
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદ પરિસરમાં સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે થયેલી ધક્કા-મક્કી બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ફરિયાદોની તપાસ હવે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તૈયારી ચાલી રહી છે. જણાવી દઈએ કે, ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકર પર આપેલાં નિવેદન બાદ આ ઘટના બની હતી. ધક્કા મુક્કીમાં ભાજપના બે સાંસદ ઈજાગ્રસ્ત થયા હતાં.
આ ઘટના બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં તેમના પર હુમલો, ઉશ્કેરણી અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે ફરિયાદ નોંધાવ્યા બાદ મીડિયાને કહ્યું, ‘અમે રાહુલ ગાંધીની સામે હુમલો અને ઉશ્કેરણી માટે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમે વિસ્તારથી આ ઘટનાનું વર્ણન કર્યું છે. આ ઘટના મકર દ્વારની બહાર થઈ, જ્યાં NDA એ સાંસદ શાંતિપૂર્વક વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતાં. અમે IPC ની કલમ ૧૦૯ , ૧૧૫ , ૧૧૭ , ૧૨૫ , ૧૩૧ અને ૩૫૧ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ભાજપની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર સંસદ પરિસરમાં મારામારીના સંબંધમાં કેસ નોંધાયાના એક દિવસ પછી, પોલીસ બે ઘાયલ સાંસદોના નિવેદનો રેકોર્ડ કરે તેવી શક્યતા છે અને વિપક્ષના નેતાને પૂછપરછ માટે બોલાવી શકે છે. તેઓએ કહ્યું કે, દિલ્હી પોલીસ સંસદ સચિવાલયને પણ પત્ર લખે તેવી શક્યતા છે, જ્યાં કથિત ઘટના બની હતી તે વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની માંગ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ કેસને સ્થાનિક પોલીસમાંથી ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવાનું પણ વિચારી શકે છે.
કોંગ્રેસે પણ સંસદ પરિસરમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે અભદ્રતાનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, ‘કાલે જે પ્રકારે એક દલિત નેતાનું અપમાન કરવામાં આવ્યું અને ધક્કો મારવામાં આવ્યો, આ બધું જ એક ષડયંત્ર છે.’ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની બહેન અને વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ નેતાની FIR ખોટી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, ‘દિલ્હી પોલીસ એ જ કરશે, જે ગૃહ મંત્રી તેમને કહેશે. તમામે ડૉ. આંબેડકરની માફી માંગવાની વાત કરી હતી, પરંતુ આ ઘટનાને ભટકાવવા માટે આ તમામ યોજના ઘડવામાં આવી છે. આ FIR રાહુલ ગાંધીની સામે નહીં, ડૉ. આંબેડકરની સામે છે.’