બનાવથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યેન્દાગાંડી ગામમાં, એક મહિલાને તેના ઘર માટે મંગાવવામાં આવેલ ઈલેક્ટ્રીકલ સામાનને બદલે પાર્સલમાં માનવ શરીરનો એક ભાગ મળ્યો. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે લોકો જાણીને દંગ રહી ગયા હતા.
રિપોર્ટ અનુસાર, સાગી તુલસી નામની મહિલાએ તેના નિર્માણાધીન ઘર માટે ઇલેક્ટ્રિકલ મટીરીયલ મંગાવ્યું હતું. તેણે પોતાના મકાનના બાંધકામ માટે આર્થિક સહાય અંતર્ગત ક્ષત્રિય સેવા સમિતિ પાસે મદદ માંગી હતી. સમિતિએ અગાઉ તેમને ટાઈલ્સ આપી હતી પરંતુ આ વખતે ઈલેક્ટ્રીકલ સામાનને બદલે પાર્સલમાં માનવ શરીરનો એક ભાગ મળી આવ્યો હતો.
જ્યારે મહિલાએ તેના ઘરે પાર્સલ ખોલ્યું તો તેમાં માનવ ધડ અને ધમકીભર્યો પત્ર હતો. પત્રમાં ૧ કરોડ ૩૦ લાખની માંગણી કરવામાં આવી હતી અને જો રકમ નહીં ચૂકવવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની ચીમકી આપવામાં આવી હતી. ઘટના બાદ સગી તુલસીના પરિવારજનોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના SP નઈમ આસ્મીએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાં આશરે ૪૫ વર્ષની ઉંમરના એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. પોલીસ હવે મૃતકની ઓળખ કરવા અને આ ઘટના પાછળના ગુનેગારોને શોધવા માટે તપાસ કરી રહી છે. આ બનાવથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ આ મામલાના તળિયે પહોંચવાની અને ગુનેગારોને વહેલી તકે પકડવાની ખાતરી આપી રહી છે.