લુખ્ખાઓનો તમાશો જોઈ રહેલ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને પોલીસ જાણે પાંગળી બની ગઈ છે. અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા હોય એમ રખિયાલમાં બેખૌફ બનેલા લુખ્ખાઓની દાદાગીરીએ પોલીસને નિચાજોણું કર્યું છે. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લુખ્ખાઓ તલવાર સાથે પોલીસને ધમકી આપી રહ્યા છે. રખિયાલમાં જાણે તેમનું રાજ ચાલતું હોય એમ આ લુખ્ખાઓ પોલીસની કાર પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓને ધમકાવી રહ્યા છે. ઓન ડ્યુટી પોલીસ કર્મચારીને મારવાની ધમકી આપે છે. ખાખીનો કોઈ ડર ન હોય એમ લુખ્ખા પોલીસને કહી રહ્યા છે “બહોત મારુંગા સાહેબ” અને પોલીસ પણ ચુપચાપ બધું સાંભળી રહી હોય તેમ જોવા મળ્યું હતું .
લુખ્ખાઓ પોલીસને તેમની જ વાનમાં બેસાડી દરવાજો બંધ કરી ઘટનાસ્થળ છોડી જતા રહેવા કહે છે અને પોલીસ પણ જાણે કે તેમની વાત માનતી હોય એમ આવા લુખ્ખાઓ સામે પગલા ભરવાને બદલે ત્યાંથી જતી રહે છે.રખિયાલમાં લુખ્ખાની દાદાગીરી જોઇ પોલીસ જે રીતે નાસી છૂટી છે તેનાથી અનેક સવાલ ઉભા થાય છે. અસામાજિક તત્વોનો ઘાતક હથિયારો સાથેનો વીડિયો સામે આવ્યા બાદ બાપુનગર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે કે અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે રખિયાલ તેમ બાપુનગર એમ બંને પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.