વિરાટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિસ્બેન ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ હવે ભારતીય ટીમ ચોથી મેચ માટે મેલબર્ન પહોંચી ગઈ છે. ૨૬ ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે. બંને ટીમો આ મેચ જીતીને સિરીઝમાં ૨-૧થી લીડ લેવાની કોશિશ કરશે. જોકે આ પહેલા ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી મેલબર્ન એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે ઉગ્ર દલીલો કરતો જોવા મળ્યો. એરપોર્ટ બહાર કઈક એવું થયું કે જેને જોઈને કોહલી પોતાની જાતને રોકી શક્યો નહીં અને મીડિયા પર ભડકી ગયો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જાણો આખરે કેમ વિરાટને ગુસ્સો આવી ગયો.
વાત જાણે એમ હતી કે ભારતીય સુપરસ્ટાર વિરાટ કોહલી મેલબર્ન એરપોર્ટ પર એક મહિલા પત્રકાર સાથે ઉગ્ર દલીલ કરતો જોવા મળ્યો. રિપોર્ટ મુજબ એક પત્રકારે કોહલી અને તેના પરિવારને એરપોર્ટથી બહાર આવતા જોઈને તેમની તરફ કેમેરો કરી દીધો જેના કારણે સ્ટાર બેટર નારાજ જોવા મળ્યો. શરૂઆતમાં તો કોહલી આગળ વધી ગયો પરંતુ તે પાછા ફરીને ટીવી રિપોર્ટર સાથે વાતચીત કરતો જોવા મળ્યો. એટલું જ નહીં નારાજ વિરાટે સ્પષ્ટપણે કહ્યું છે કે તમે મને પૂછ્યા વગર મારા બાળકોના ફોટા વીડિયો કેપ્ચર કરી શકો નહીં. વિરાટના હાવભાવ જણાવી રહ્યા હતા કે તે ખુબ નારાજ હતો. જો કે ચેનલનો એવો દાવો છે કે આ ફક્ત એક ગેરસમજ હતી.
એવું કહેવાય છે કે જ્યારે કોહલી અને તેનો પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો તો કેટલાક પત્રકારો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડનો ઈન્ટરવ્યું લેતા હતા. કેમેરાનું ધ્યાન કોહલી પર ગયું જેને જોઈને કોહલી નાખુશ થયો. કોહલી હંમેશા પોતાના બાળકો માટે પ્રાઈવસીની માંગણી કરે છે. પછી ભલે તે ભારતમાં હોય કે વિદેશમાં. એટલે સુધી કે જ્યારે પણ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પોતાના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે તો ઈમોજીથી બાળકોના મોઢા છૂપાવી દે છે. અનેકવાર એરપોર્ટ પર વિરાટ તેના બાળકોના ફોટા વીડિયો ન બનાવવા માટે અપીલ કરતો જોવા મળ્યો છે.