લાંબા સમયથી ટેક્સ ના ભરતા હોવાનું ધ્યાને આવતા AMC એ અપનાવી નવી રીત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મહાનગર પાલિકા ટેક્સ નહીં ભરનારા લોકોને છડે ચોક શરમમાં મુકી રહ્યું છે. આમ તો અત્યારે કમુરતા ચાલે છે, એટલે સ્વાભાવિક છે કે ઢોલ નગારા અત્યાર ન વાગે, પરંતુ AMC એ ટેક્સ નહીં ભરનારના ઘર અને સોસાયટીમાં ટેક્સ ભરે તે માટે અનોખો આઇડિયા અજમાવ્યો છે. રેસિડેન્સિયલ વિસ્તારમાં કેટલાક લોકો લાંબા સમયથી ટેક્સ ના ભરતા હોવાનું ધ્યાને આવતા AMC એ તેમને જગાડવા ઢોલ વગાડ્યા. આ ઢોલ કોઇ લગ્ન કે સારા પ્રસંગના નથી વગાડવામાં આવ્યા,પરંતુ અમદાવાદમાં જે લોકોએ છેલ્લા પાંચ વર્ષથી પ્રોપર્ટી ટેક્સ નથી ભર્યો. તેવા લોકોને યાદ અપાવવાની અને ઉંઘમાંથી જગાડવાનો એક પ્રયાસ છે.
AMC લોકોને રંજાડવાને બદલે મનપાએ ઢોલ વગાડી ટેક્સ ઉઘરાવાનું નક્કી કર્યું છે. કેમ કે GPMC એક્ટમાં લાઈટ-નળ કનેક્શન કાપવાનો મનપાને અધિકાર છે પરંતુ તેમણે નવતર પ્રયોગ કર્યો. અમદાવાદ નગર પાલિકાએ અનેક નોટિસ ફટકારી, છતાં લોકો ટેક્સ નથી ભરી રહ્યાં. જેથી હવે આવી રીતે મહાનગર પાલિકાના લોકો ઘરે ઘરે જઇને લોકોને ટેક્સ ભરવા માટે અપીલ કરી રહ્યા છે.મહાનગર પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ટેક્સના પૈસાથી અમદાવાદ શહેરો વિકાસ થાય છે અને નાગરિકોને સારી સુવિધાઓ મળી રહે છે. જોકે આ તો વાત થઇ ટેક્સ વસુલવાની, પરંતુ જે લોકો ટેક્સ આપે છે. તેઓને અમદાવાદ મહાનગરપાલિકા શું સુવિધાઓ આપે છે. તેવા સવાલો નાગરિકો પણ ઉઠાવી રહ્યાં છે.