રેસિડન્ટ વિસ્તારમાં ચાલતા સ્પા મસાજ શરૂ નહીં થાય તેમ પોલીસવડાએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી શહેરમાં કેટલાક રહેણાંક વિસ્તારો અને એપાર્ટમેન્ટમાં સ્પા મસાજનો ધંધો ચાલકો હોવાથી સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં વિરોધ નોંધાવ્યા બાદ ફરી અમરેલીમાં મહિલાઓએ સ્પા મસાજ સેન્ટરો બંધ કરાવવા માટે રણચંડી બની ઉગ્ર સ્વરૂપ બતાવ્યું હતું. મહિલાએ સ્પા મસાજના બોર્ડ અને પોસ્ટરો સળાવ્યા હતા અને સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
મહિલાઓએ અમરેલીમાં સ્પા મસાજની હાટડીઓને ખુલવાની દીધી ન હતી. મામલો ઉગ્ર બનતાં અમરેલી SP સંજય ખરાતે ચેકિંગ અને રેડ પાડી હતી અને હાલ સ્પા મસાજ સેન્ટરો બંધ રાખવાની સૂચના આપી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં કેટલાક નીતિ નિયમો સાથે નોટિફિકેશન અથવા જાહેરનામું બહાર પાડવા માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કહ્યું હતું કે રેસિડન્ટ વિસ્તારમાં સ્પા મસાજ સેન્ટર બંધ કરાવવા નગરપાલિકાને પણ સૂચના આપવામાં આવી છે. નગરપાલિકા સાથે સંકલન કરી સીલ મારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે સ્થાનિક રહીશોને જણાવ્યું હતું કે સ્પામાં ગેરકાયદેસર પ્રવૃતિ સામે આવે તો લોકો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. સ્પા મામલે જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસને કડક સૂચના આપી છે. આજથી રેસિડન્ટ વિસ્તારમાં ચાલતા સ્પા મસાજ શરૂ નહીં થાય.