સુરતમાં યુનિયન બેંકમાંથી ૬ લોકર તોડી ૪૯ તોલા સોનાની ચોરી થતા પોલીસ દોડતી થઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકો પોતાની મહેનતથી કમાયેલી રકમ અને સોના-ચાંદીના ઘરેણાને ચોરી ન થાય તે માટે ઘરમાં ન રાખીને બેંકના લોકરમાં રાખવાનું પસંદ કરે છે. જો કે સુરતમાં તો બેંકના લોકરમાંથી જ તસ્કરો લોકોની વર્ષોની કમાણીને ઉઠાવી ગયા છે. યુનિયન બેન્કમાંથી તસ્કરોએ ૬ જેટલા લોકરમાંથી લાખો રુપિયાની ચોરી કરી છે. જેના પગલે સુરત પોલીસ દોડતી થઇ ગઇ છે.
સુરત જિલ્લામાં કીમ ચાર રસ્તા પાસે આવેલા યુનિયન બેંકમાંથી તસ્કરોએ ૬ લોકર તોડીને ચોરી કરી છે.તસ્કરોએ દીવાલમાં બાકોરું પાડીને ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે. મળતી માહિતી મુજબ ૯ લાખ રુપિયા રોકડા અને ૪૯ તોલા સોનાની ચોરી થઇ છે. કોસંબા પોલીસના જણાવ્યા અનુસાર રોકડ, દાગીના સહિત ૪૦.૩૫ લાખની મત્તાની ચોરી થઇ છે. જોકે હજુ પણ ચોરીનો આંકડો વધે તેવી શક્યતા છે. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને આ મામલે તપાસ શરુ કરી છે.
પોલીસ દ્વારા બેંકની આસપાસના શોપિંગ સેન્ટરના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવામાં આવી રહી છે. જે પછી એક પછી એક ચોરીની ઘટના બની રહી છે.તેને લઇને સ્થાનિક લોકો પણ હવે ભયના માહોલમાં છે.જેથી તસ્કરોને જલ્દીથી ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.