બે આરોપીઓને ઝડપી પોલીસે ૧.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં એક પછી એક નકલીની ભરમાર જોવા મળી રહી છે. નકલી મસાલા, નકલી ઘી, નકલી પનીર જેવી વસ્તુઓ બાદ હવે નકલી લિપ બામનો પર્દાફાશ થયો છે.
સુરતના કાપોદ્રામાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામનો પર્દાફાશ થયો છે. આ સાથે જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના કાપોદ્રામાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનતી હોવાના કારનામાનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસે બ્રાન્ડેડ કંપનીના અધિકારીને સાથે રાખી કાપોદ્રા વિસ્તારના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ મકાનમાંથી ૧.૧૧ લાખની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો મળી આવ્યો છે. આ મકાનમાંથી એક આરોપીઓને નકલી લિપ બામના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઝડપાયોલા આરોપીઓએ પૂછપરછમાં ચીકુવાડી ખાતેથી જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી છે.
પોલીસે અન્ય એક સ્થળે દરોડા પાડીને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અન્ય એક સ્થળેથી ૪૫ હજારથી વધુની કિંમતનો લિપ બામ જથ્થો જપ્ત કર્યો છે. બન્ને આરોપીની ધરપકડ કરીને પોલીસે નકલી લિપ બામ સહિત ૧.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.