હોડીમાં ૧૦૦ થી વધુ યાત્રીઓ હતા સવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની આર્થિક રાજધાની મુંબઈના ગેટવે ઓફ ઈંડિયા નજીક દરિયામાં યાત્રીઓેથી ભરેલી એક હોડી પલટી ગઈ. આ ઘટનામાં હોડીમાં સવાર તમામ યાત્રીઓ ડૂબી ગયા. જાણકારી મળતા જ રાહત ટીમ બીજી હોડી લઈને પહોંચી ગઈ અને રાહત કાર્ય શરુ કરી દીધું. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં લોકોને બચાવાની કોશિશ ચાલી રહી છે. દુર્ઘટના બાદ તાત્કાલિક અમુક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો વળી ૧૩ વ્યક્તિના મોતની હાલમાં સૂચના મળી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ હોડી ગેટવે ઓફ ઈંડિયાથી એલીફેંટા તરફ જઈ રહી હતી.
શરુઆતી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, હોડીમાં ૧૦૦ થી વધુ યાત્રીઓ બેઠા હતા. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ૧૦૮ એમ્બ્યુલન્સ અને મરીન પોલીસ ઘટનાસ્થળ પર છે. જાણકારી અનુસાર, ૧૦૧ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને એક વ્યક્તિને મૃત જાહેર કર્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સમયે હવામાન સાફ હોવાના કારણે ગેટવે ઓફ ઈંડિયામાં મોટી સંખ્યામાં પર્યટકો આવ્યા હતા. તેમાંથી ઘણા લોકો બોટીંગ કરવા માટે સમુદ્રમાં ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અમુક પર્યટકો હોડીમાં બેસીને એલીફેંટા તરફ જઈ રહ્યા હતા. જેવી આ હોડી કાંઠાથી ૫૦ મીટર દૂર ગઈ તો અચાનક કંઈક થયું અને ડૂબવા લાગી. સંયોગથી એક મોટી બોટ ત્યાં આવી ગઈ અને ડૂબતી બોટમાંથી અમુક મુસાફરોને મોટી બોટમાં ચડાવી લીધા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ટિ્વટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, અમને નીલકમલ હોડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાના સમાચાર મળ્યા છે. જે એલીફેંટા તરફ જઈ રહી હતી. નૌસેના, તટરક્ષક દળ, પોર્ટ અને પોલીસ ટીમોને નૌકાઓની મદદ માટે તરત મોકલી દીધી છે. તેમણે કહ્યું કે, અમે જિલ્લા અને પોલીસ પ્રશાસન સાથે સતત સંપર્કમાં છીએ અને સૌભાગ્યથી મોટા ભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કાર્ય હાલમાં પણ ચાલી રહ્યું છે. જિલ્લા પ્રશાસનને બચાવ કાર્ય માટે તમામ જરુરી મશીનરી તૈનાત કરવાના આદેશ આપ્યા છે.