JPC માં કોંગ્રેસના ચાર નેતા પણ સામેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને બંધારણ (૧૨૯મો સુધારો) બિલ ૨૦૨૪’ નામ આપવામાં આવ્યું છે. હવે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું છે. લોકસભાના અધ્યક્ષ JPC ની રચના કરશે, જેમાં કોંગ્રેસના ચાર નેતા પણ સામેલ હશે. કોંગ્રેસે આ નામો ફાઈનલ કરી લોકસભા અધ્યક્ષને મોકલી દીધા છે. સમિતિમાં રાજ્યસભા અને લોકસભાના સભ્યો સામેલ હશે અને તેઓ કોઈપણ મુદ્દા અથવા બિલની સંપૂર્ણ સમીક્ષાનો રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ તેને સરકાર સમક્ષ મોકલાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ તરફથી સંયુક્ત સંસદીય સમિતિમાં સામેલ કરવા માટે મનીષ તિવારી, પ્રિયંકા ગાંધી, સુખદેવ ભગત અને રણદીપ સુરજેવાલાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. એટલે કે આ નેતાઓ વન નેશન, વન ઈલેક્શન અંગેની બાબતો JPC માં રજુ કરશે. મનીષ તિવારી અને રણદીપ સુરજેવાલા વકીલ છે, જ્યારે સુખદેવ ભગત આદિવાસી નેતા તરીકે ઓળખાય છે. પ્રિયંકા ગાંધી મહિલાઓનું નેતૃત્વ કરશે.
ઈન્ડિયન ગઠબંધનમાં સામેલ દ્રવિડ મુનેત્ર કઝગમ તરફથી JPC માં પી.વિલ્સનને તક મળવાની સંભાવના છે. વિલ્સમ જાણિતા વકીલ છે. આ ઉપરાંત સાંસદ ટી.સેલ્વાગેથીનું નામ પણ અધ્યક્ષ સમક્ષ મોકલી શકે છે. સમાજવાદી પાર્ટી તરફથી સાંસદ ધર્મેન્દ્ર યાદવ, તૃણમૂલ કોંગ્રેસ તરફથી કલ્યાણ બેનરજી અને સાકેત ગોખલેની પણ જેપીસીમાં સામેલ થવાની સંભાવના છે.
JPC માં કેટલા સભ્યોને સામેલ કરી શકાય છે, તે અંગે લોકસભા અધ્યક્ષ ર્નિણય કરે છે. કમિટીમાં રાજ્યસભા અને લોકસભા બંનેના સભ્યોને સામેલ કરવામાં આવે છે. સામાન્ય રીતે રાજ્યસભાના સભ્યોની સરખામણીમાં લોકસભાના સભ્યો આમાં વધુ હોય છે. કેન્દ્ર સરકાર જેપીસીના રિપોર્ટના આધારે સંશોધિત બિલ ગૃહમાં રજુ કરે છે. વન નેશન-વન ઈલેક્શન બિલ એ બંધારણીય સુધારો છે અને તેના માટે સરકારને વિશેષ બહુમતીની જરૂર છે. તેથી જ કેન્દ્ર સરકાર જેપીસીની મદદથી સર્વસંમતિ બનાવવાની કવાયતમાં લાગી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ રજૂ કરાયું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતાં જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને YSRCP ના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, બિલની તરફેણમાં ૨૬૯ મત અને વિરોધમાં ૧૯૮ મત પડ્યા છે.