આ ઘટના સૈનિકો માટે અત્યંત દુઃખદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફાયરિંગ રેન્જમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જિલ્લાના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપના અભ્યાસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં બે સૈનિકોના મૃત્યુ થયા હતા અને એક સૈનિક ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના મહાજન ફિલ્ડ રેન્જના નોર્થ કેમ્પમાં આવેલા ચાર્લી સેન્ટરમાં થઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા જવાનને સુરતગઢની સૈનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘાયલ જવાનની સારવાર ચાલી રહી છે, અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, ઘટના બાદ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. બોમ્બ વિસ્ફોટનું કારણ શું હતું અને આ દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સૈનિકો માટે અત્યંત દુઃખદ છે, કારણ કે સામાન્ય રીતે મહાજન ફાયરિંગ રેન્જમાં સલામતીનાં પગલાં સાથે આવો અભ્યાસ કરવામાં આવે છે. આવી દુર્ઘટના સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂરિયાતને પણ ઉજાગર કરે છે.