અલ્હાબાદ હાઈકોર્ટના જજએ VHP ના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા SC ની સલાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપનારા અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર યાદવને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળના પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોના કૉલેજિયમે ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને તેમના બંધારણીય પદની ગરિમા જાળવી રાખવાની સલાહ આપી છે. SC એ કહ્યું કે, તમારી બંધારણીય સ્થિતિનું ધ્યાન રાખો અને જાહેર ભાષણો આપતી વખતે વિશેષ સાવધાની રાખો. ઉપરાંત જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસ ઓક પણ કૉલેજિયમમાં સામેલ હતા.
જજ શેખર યાદવ સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની કોલેજિયમ સમક્ષ હાજર થયા હતા. તેમણે કહ્યું કે, મીડિયાએ બિનજરૂરી વિવાદ ઉભો કરવા માટે તેમના ભાષણના પસંદગીનો ભાગ રજૂ કર્યો છે. પરંતુ કોલેજિયમ તેમના ખુલાસા સાથે સહમત નહોતું અને તેમણે ભાષણમાં જે રીતે ચોક્કસ નિવેદનો આપ્યા હતા તે બદલ તેમને ઠપકો આપ્યો હતો.
SC કોલેજિયમે તેમને કહ્યું કે, બંધારણીય હોદ્દા પર હોવાને લીધે, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનું વર્તન, વ્યવહાર અને વાણી સતત તપાસ હેઠળ હોય છે અને તેથી તેઓ ઉચ્ચ પદની ગરિમા જાળવી રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. CJI જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં પાંચ જજોના કૉલેજિયમે જસ્ટિસ શેખર યાદવ સાથે વાત કરી હતી. તેને પ્રશ્નો પણ પૂછ્યા. સવાલ-જવાબનો રાઉન્ડ લગભગ ૪૫ મિનિટ સુધી ચાલ્યો હતો.
સુપ્રીમ કોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, જસ્ટિસ યાદવને વધુ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. જસ્ટિસ શેખર યાદવ ૮ ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં તેમણે કહ્યું કે, ‘આ દેશ બહુમતીના બનાવેલા કાયદા પ્રમાણે ચાલશે. એક ચોક્કસ સમુદાયનો ઉલ્લેખ કરીને તેમણે પૂછ્યું કે, જ્યારે બાળપણથી જ બાળકોની સામે પ્રાણીઓને કાપવામાં આવે છે, તો પછી તે બાળકો કેવી રીતે મોટા થઈને દયાળુ અને સહનશીલ બની શકે? મુસ્લિમોના એક વર્ગને ‘કટ્ટરપંથી’ ગણાવતા તેમણે કહ્યું હતું કે, તેમનું અસ્તિત્વ દેશ માટે ખતરનાક છે.