અદ્યતન સિવિલ હોસ્પિટલમાં ૨D ઈકો મશીન બંધ હાલતમાં દર્દી પરેશાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર શહેરમાં અદ્યતન સાધનો સાથેની ૬૦૦ બેડની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ ખાટલે મોટી ખોટ એવી છે કે છેલ્લા કેટલાક સમયથી ૨D ઈકો મશીન બંધ હાલતમાં પડ્યુ છે. અઠવાડિયામાં માત્ર બે દિવસ બે કલાક માટે ઈકો કરવામાં આવતુ હોવાથી દર્દીઓ પરેશાન થઇ રહ્યાં છે. ઇમર્જન્સી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં વધુ પૈસા ખર્ચીને ઇકો કઢાવવાની ફરજ પડે છે.
ગાંધીનગર સિવિલમાં હાલ કાર્ડિયાક સેન્ટર ઉભુ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૬૦૦ બેડની હોસ્પિટલમાં ત્રણ માળ સુધીના તમામ વોર્ડ, OT સહિત સ્પેશ્યલ વોર્ડ અને મેડીકલ સ્ટોર પણ ખસેડી દેવાયો છે. ગાધીનગર સિવિલમાં આરોગ્ય લક્ષી સુવિધા વધતા દર્દીઓનો ધસારો પણ મોટી સંખ્યામાં થઇ રહ્યો છે. ત્યારે શિયાળાની હાડ થીજાવતી ઠંડીમાં હદય સંબંધિ દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે. ડોકટરની તપાસ બાદ દર્દીને ૨D ઇકો કરવા માટે કહેવામાં આવે છે. ૨D ઈકો મશીનમાં યાંત્રિક ખામી સર્જાવાના કારણે દર્દીઓ વારંવાર ધકકા ખાઇ રહ્યાં છે. સિવિલમાં માત્ર બુધવાર અને શુક્રવારના રોજ બપોરે બે કલાક માટે ઈકો કરવામાં આવે છે. તેના કારણે ઈકો માટે દર્દીઓની લાંબી લાઈનો લાગે છે. ત્યારે હાલના તબક્કે ઈકોનું મશીન ખોટકાયુ છે હવે ચાલુ થશે ત્યારે વધુ લાંબી લાઇનો જોવા મળશે. જોકે આ ૨D ઇકો મશીન કયારે રિપેર થઇ જશે અને ક્યારથી ઇકો કરવામાં આવશે તે અંગે કોઈ ચોકક્સ ફોડ પાડીને કહી શકતું નથી.
સિવિલમાં નવી બિલ્ડીંગમાં ત્રીજા માળે દર બુધવાર અને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૫ ઈકો કરવામાં આવે છે. ત્યારે ઈકો માટે ૪૦ થી પણ વધુ દર્દીઓની લાંબી લાઈન લાગી હોય છે. ઈકોનું મશીન બગડતા દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જયારે ૨D ઇકોનું નવુ મશીન વસાવવા માટે સરકાર સમક્ષ સિવિલ તંત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. ત્યારે હાલ MRI, સીટી સ્કેન, સોનોગ્રાફી, એકસ-રે સહિતની સુવિધા કાર્યરત છે. ત્યારે ઈકોની સેવા બંધ થતા દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યાં છે.