પોલીસે આ અજાણ્યા યુવક સામે ગુનો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠાના પાલનપુરમાં યુવતીએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા પહેલા યુવતીએ માફી માંગતો વિડીયો બનાવ્યો છે. મૃતક યુવતીના મોબાઇલમાંથી વિડીયો મળ્યો છે. મોબાઇલમાં તેણે અજાણ્યા યુવક સાથે વાતચીત કરી હોવાનો ઓડિયો પણ મળ્યો છે.
મૃતક યુવતીના મોબાઇલમાંથી યુવક સાથેની વાતચીતનો વિડીયો મળી આવતા કુટુંબીજનોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રજૂઆત કરી છે. તેઓએ આ ઓડિયામાં અજાણ્યા યુવકનો અવાજ સંભળાય છે તેની સામે ફરિયાદ નોંધી છે. તેના પગલે પોલીસે આ અજાણ્યા યુવક સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ કુટુંબીજનોની રજૂઆતના પગલે યુવતીનો મોબાઇલ તેના કબ્જામાં લીધો છે અને આ મોબાઇલના આધારે આ કેસની અનેક કડીઓ મળશે તેમ પોલીસ માને છે. યુવતીએ આત્મહત્યા કરતાં પહેલા વિડીયો વાઇરલ કર્યો હતો અને બધાની માફી માંગી આત્મહત્યા કરી હતી.
બનાસકાંઠામાં આમ પણ છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના બનાવમાં વધારો નોંધાયો છે. પોલીસનું કહેવું છે કે કુમળી વયે સંબંધ બાંધનારી યુવતીઓ કે યુવકની સંબંધની વાસ્તવિકતાને પચાવવાની ક્ષમતા હોતી નથી અને તેથી સંબંધમાં આવતી જરા પણ ઓટને તે સહન કરી શકતા નથી. તેના લીધે કોઈને કોઈ બાબતે સંબંધ તોડી નાખે છે અથવા તો માઠુ લગાડીને આત્મહત્યા કરે છે. પ્રેમપ્રકરણમાં થતી આત્મહત્યામાં મોટાભાગે આવું જ જોવા મળ્યું છે. બીજા કિસ્સાઓમાં કુટુંબ અને સમાજ તેમને નહીં સ્વીકારે તે ડરના લીધે પ્રેમીપંખીડા આત્મહત્યા કરે છે. યુવાન-યુવતીનો પ્રેમ કલ્પનાવિહારમાંથી આવીને વાસ્તવિકતાને ટકરાય છે ત્યારે તેનો સામનો કરવાની તેમની મનોસ્થિતિ હોતી નથી.