એકનાથ શિંદે બાદ અજિત પવારની NCP ના ધારાસભ્યએ મોરચો માંડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીવાળી મહાયુતિ સરકારની નૈયા ધીમે ધીમે ડગમગવા લાગી છે. આવું એટલા માટે કહેવાય છે કેમ કે, કેબિનેટ વિસ્તાર બાદ ગઠબંધનના ધારાસભ્યોની નારાજગી ખુલીને સામે આવી રહી છે. CM પદ અને બે ડેપ્યુટી CM સાથે શપથ લીધાના ૧૦ દિવસ બાદ ફડણવીસના કેબિનેટ એક્સપાન્શનમાં દસ પૂર્વ મંત્રીઓને જગ્યા મળી નથી. સૌથી વધારે મંત્રી પદ ભાજપના ધારાસભ્યોને મળ્યા, જ્યારે ત્યાર બાદ એકનાથ શિંદેની શિવસેના અને પછી અજિત પવારની NCP ને મહત્વ આપ્યું છે.
આ દરમ્યાન કેબિનેટમાં મંત્રી ન બનાવતા શિવસેના અને NCP ના ધારાસભ્યો ગુસ્સામાં ફરી રહ્યા છે. પહેલા એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે મંત્રી પદ ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી અને હવે અજિત પવારની NCP ના ધારાસભ્ય છગન ભુજબળે પણ મોરચો ખોલી દીધો છે. હજુ સરકાર બની જ હતી કે મહાયુતિની દીવાલ ધસવા લાગી. ધારાસભ્યોની આ નારાજગી ક્યાંક મહાયુતિને ભારે ન પડી જાય. NCP ના વરિષ્ઠ નેતા છગન ભુજબળે નવી મહાયુતિ સરકારમાં સામેલ નહીં કરવા પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે, “તે પોતાના ચૂંટણી ક્ષેત્રના લોકો સાથે વાત કરીને આગળના ભવિષ્યનો રસ્તો નક્કી કરશે.” ભુજબળે કહ્યું કે, તેઓ નવી કેબિનેટમાં સામેલ નહીં કરવાથી નાખુશ છે. પોતાના ભવિષ્યના પગલા વિશે પૂછાતા નાસિક જિલ્લાના યેઓલા મત વિસ્તારના ધારાસભ્યએ કહ્યું કે, “મને જોવા દો. મને તેના પર વિચાર કરવા દો. હું મારા મત વિસ્તારના લોકો સાથે વાત કરીશ અને સમતા પરિષદ સાથે ચર્ચા કરીશ.”
આ અગાઉ શિવસેનાના ભંડારાથી ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ ન કરતા નિરાશા વ્યક્ત કરતા પાર્ટીના તમામ પદેથી રાજીનામા આપી દીધા હતા. ભોંડેકરે ભંડારા જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા દાવો કર્યો કે, તેમની પાર્ટીના પ્રમુખ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમને મંત્રીમંડળમાં જગ્યા આપવાનો વાયદો કર્યો હતો. ભોંડેકર શિવસેનાના ઉપનેતા અને પૂર્વી વિદર્ભ જિલ્લાના સમન્વયક હતા. ભોંડેકરે કહ્યું કે, “મને કોઈ પદની લાલસા નથી. મેં પાર્ટી નેતાઓને મારુ રાજીનામું આપી દીધું છે અને તેમના જવાબની રાહ જોઈ રહ્યો છું.”