રાજેન્દ્ર મેઘવારે ફૈસલાબાદમાં પોતાની ફરજ બજાવવાનું શરૂ કરી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજેન્દ્ર મેઘવારને પાકિસ્તાન પોલીસ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસમાં ઓફિસર બનનાર તે પ્રથમ હિન્દુ છે. જણાવી દઈએ કે, ત્યારથી રાજેન્દ્ર મેઘવાર ચર્ચાનો વિષય બની ગયા છે. પાકિસ્તાન પોલીસની સ્થાપના પછી આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ હિંદુ અધિકારીની આ પ્રકારની પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. રાજેન્દ્ર મેઘવારે ૬ ડિસેમ્બરે ફૈસલાબાદના ગુલબર્ગ વિસ્તારમાં ASP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
પાકિસ્તાનના અહેવાલમાં મદદનીશ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર મેઘવારના જણાવ્યા અનુસાર, પોલીસ દળમાં કામ કરવાથી તેઓને તેમના સમુદાયમાં યોગદાન આપવાની તક મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ દળમાં રહેવાથી તેમને લોકોની સમસ્યાઓ હલ કરવાની તક મળશે, જે અન્ય વિભાગોમાં સરળતાથી થઈ શકતી નથી.
મળતી વિગતો અનુસાર રાજેન્દ્ર મેઘવાર પાકિસ્તાનમાં એક હિંદુ અધિકારી છે, જેમના સંઘર્ષથી તેમને સફળતા મળી છે. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને સફળતા હાંસલ કરી હતી. લઘુમતી સમુદાયમાંથી હોવા છતાં, તેણે પોતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. પોલીસ અધિકારી બનવાની તેમની સફરમાં અનેક અવરોધો આવ્યા હતા. રાજેન્દ્ર પાકિસ્તાનના સિંધના ગ્રામીણ વિસ્તાર બદીનનો છે. તેણે પોતાના સમર્પણ અને મહેનતથી આ અવરોધોને પાર કર્યા હતા.
જણાવી દઈએ કે, રાજેન્દ્ર મેઘવારની નિમણૂક સાથે અન્ય એક વ્યક્તિએ CSS પરીક્ષા પાસ કરી છે. રહીમ યાર ખાનમાં લઘુમતી સમુદાયની મહિલા રૂપમતીએ પણ CSS પરીક્ષા પાસ કરી છે. રૂપમતીએ વિદેશ મંત્રાલયમાં કામ કરીને દુનિયાભરમાં પાકિસ્તાનની સોફ્ટ ઈમેજ રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.