દિલ્હીના કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જયંતીની ઉજવણીની શૃંખલામાં નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ-પ્રગતિ મેદાન ખાતે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આર્ય સમાજની સ્થાપનાના ૧૫૦મા વર્ષના આરંભ પ્રસંગે યોજાયેલા આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામથી પહેલાં સમાજને યોગ્ય દિશા આપવા માટે મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. તેમણે વેદો અને ભારતીય દાર્શનિક પરંપરાઓ પર પ્રકાશ પાડતાં આજે તેના મહત્ત્વ પર પણ ભાર મુક્યો હતો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ૨૦૦ વર્ષ પહેલાં જ્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ ગુજરાતમાં થયો હતો, ત્યારે દેશમાં અંગ્રેજ શાસન હતું. તે સમય હતો જ્યારે ગુલામીની બેડીઓમાં જકડાયેલા લોકો તેમની ચેતનાને ભૂલી રહ્યા હતા. અંગ્રેજ શાસકો ભારતીય સંસ્કૃતિને ભૂલાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ભારતીયોને રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગુલામ બનાવવાના વિવિધ યોજિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેવા સમયમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ દ્વારા લોકોમાં રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસ જણાવવાનું કાર્ય કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વેદોના મીમાંસા કરનારા ઋષિ નહોતા, પરંતુ સમગ્ર દેશમાં નૂતન સાંસ્કૃતિક યાત્રાનો પ્રકાશ પાથરનારા મહર્ષિ હતા.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારતીય સાંસ્કૃતિક વારસો, વૈદિક પરંપરાઓ અને આર્ય સમાજના ઐતિહાસિક યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન અને તેમના દ્વારા સ્થાપિત આર્ય સમાજના ઉદ્દેશ્યોને યાદ કરતાં કહ્યું કે, આર્ય સમાજના વિચારો ભારતના પુનર્જાગરણનો મૂળ આધાર છે. આ ગૌરવભર્યું છે કે આર્ય સમાજે હિન્દી ભાષા અને ભારતીય સંસ્કૃતિને સાચવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અત્યારના સમયમાં ભારતના આર્ત્મનિભર અભિયાન અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના રોડમૅપનું સ્વાગત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પ્રાચીન ઋષિ-મુનિઓની પરંપરાને આગળ વધારતાં વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના ૧૦ નિયમોમાં ઉલ્લેખિત છઠ્ઠા નિયમ ‘સંસાર પર ઉપકાર કરવો’ પર વિશેષ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, આર્ય સમાજે હંમેશા શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષના દ્રષ્ટિકોણને સ્વીકાર્યો છે. આર્ય સમાજનો હેતુ વિશ્વ બંધુત્વ અને સર્વજનના કલ્યાણનો છે. આ જ વેદોની શિક્ષા અને મહર્ષિ દયાનંદની વિચારસરણી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, જે રીતે આપણા દેશની સંસ્કૃતિ, પરંપરાઓ અને પરંપરાગત મૂલ્યોને જીવંત રાખી દેશ પુનર્વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે, તે આર્ય સમાજના વિચારો સાથે સુસંગત છે. આર્ય સમાજે ભારતીય રાષ્ટ્રવાદ, વૈદિક પરંપરાઓ, ભારતીય વસ્ત્રો અને ખોરાક પર ગર્વ કરવાની પ્રેરણા આપી છે. આ બધું મહર્ષિ દયાનંદનું અનન્ય યોગદાન છે.”
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ આર્ય સમાજે રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારત’ના દ્રષ્ટિકોણનું સમર્થન કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, આર્ય સમાજે ન માત્ર નારી શિક્ષાને પ્રોત્સાહન આપ્યું પરંતુ અછૂતોદ્ધાર અને જાતિવાદ સમાપ્ત કરવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે મહર્ષિ દયાનંદના વિચારોનું ભવિષ્યના મહાપુરુષોએ અનુકરણ કર્યું. રાજ્યપાલે ઉમેર્યું કે “તે સમયનાં ભારત અનેક પ્રકારની કુરુતિઓથી પીડિત હતું. વિદેશીઓની ગુલામીની જંજીરોમાં ભારતમાતા બંધાયેલી હતી. બાળવિવાહ જેવી કુપ્રથા, નારીશિક્ષાનો અભાવ અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાનું અવમૂલ્યન જેવી ગંભીર ચિંતાઓના ઉકેલ માટે મહર્ષિ દયાનંદએ બહાદુરીપૂર્વક પગલાં લીધાં.”
મહર્ષિ દયાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા વર્ષ ૧૯૦૨માં ગુરુકુલ કાંગડીની સ્થાપનાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ગુરુકુલોની સ્થાપનાનો હેતુ એવો દેશભક્ત યુવા તૈયાર કરવાનો હતો, જે માત્ર ભારતની સ્વતંત્રતામાં જ નહીં, પરંતુ દેશની સંસ્કૃતિ, પરંપરાઓ અને વૈદિક મૂલ્યોને પુનર્જીવિત કરવામાં યોગદાન આપે.
આર્ય સમાજે આ દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુરુકુલ શિક્ષણ પદ્ધતિથી દેશભક્ત, વિદ્વાન પ્રચારકો તૈયાર થયા, જેઓએ સ્વતંત્રતા સંગ્રામમાં આગવી કામગીરી કરી. ભાઇ પરમાનંદ, સરદાર ભગતસિંહ અને રામ પ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીઓના ઉલ્લેખ સાથે તેમણે જણાવ્યું કે, આ મહાન વિભૂતિઓ માટે પ્રેરણાનો સ્ત્રોત આર્ય સમાજ હતો.