નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં માહિતી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં કોમર્શિયલ બેંકો દ્વારા કુલ ૧૨.૩ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં અડધો અડધ એટલે કે ૫૩ ટકા અથવા તો ૬.૫ લાખ કરોડ રૂપિયાની લોન માફી જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે PSU બેંકો દ્વારા કરવામાં આવી છે. સરકારે સંસદમાં આ અંગે પૂછાયેલા સવાલોના જવાબમાં માહિતી આપી હતી કે FY ૧૫થી FY ૨૪માં બેંકો દ્વારા કુલ ૧૨.૩ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે જ્યારે FY ૨૦થી FY ૨૪ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં PSU બેંકો દ્વારા ૬.૫ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે.
FY ૧૯માં બેંકિંગ સેક્ટર દ્વારા લોન માફી ૨.૪ લાખ કરોડ રૂપિયાની ટોચે પહોંચી હતી જ્યારે FY ૨૪માં લોન માફી ૧.૭ લાખ કરોડ રૂપિયાના સૌથી નીચા સ્તરે આવી ગઈ હતી. તે સમયે લગભગ ૧૬૫ લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ બાકી હતી અને તે જોતા આ આંકડો કુલ બેંક ક્રેડિટનો એક ટકો થાય છે. જાહેર ક્ષેત્રની બેંકો પાસે હાલમાં બેંકિંગ સેક્ટરની ઈન્ક્રીમેન્ટલ ક્રેડિટનો ૫૧ ટકા હિસ્સો છે જે FY ૨૩માં ૫૪ ટકા કરતા ઓછો છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની બેંકોની કુલ NPA અનુક્રમે ૩,૧૬,૩૩૧ કરોડ રૂપિયા અને ૧,૩૪,૩૩૯ કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત આઉટસ્ટેન્ડિંગ લોનની ટકાવારી તરીકે કુલ NPA જાહેર ક્ષેત્રની બેંકોમાં ૩.૦૧ ટકા અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં ૧.૮૬ ટકા હતી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંકોમાં સામેલ છે અને તે બેન્કિંગ એક્ટિવિટીમાં તે પાંચમાં ભાગનો હિસ્સો ધરાવે છે. SBI એ આ સમયગાળા દરમિયાન બે લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી હતી. જ્યારે પંજાબ નેશનલ બેંકે ૯૪,૭૦૨ કરોડ રૂપિયાની લોન માફ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સપ્ટેમ્બરના અંત સુધી PSU બેન્કોએ અગાઉના પાંચ વર્ષમાં ૬.૫ લાખ કરોડ રૂપિયાની સામે ૪૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી છે.
PSB રાઈટ-ઓફ અંગેના પ્રશ્નના જવાબમાં ચૌધરીએ જણાવ્યું હતું કે, બેંકો NPA ને રાઈટ-ઓફ કરે છે. લોન રાઈટ ઓફ કરવાના સંદર્ભમાં RBI ની ગાઈડલાઈન્સ અને બેંકોના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી પોલિસી અનુસાર ચાર વર્ષ પૂર્ણ થવા પર સંપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. જોકે, લોન રાઈટ ઓફ કરવાનો મતલબ તેને સંપૂર્ણ પણે માફ કરી દેવાનો નથી. તેનાથી લોન લેનારા લોકોની લાયાબિલિટિસ માફ કરવામાં આવતી નથી અને તેથી તેનાથી લોન લેનારાઓને ફાયદો નતો નથી. બેંકો તેમની રિકવરીની કાર્યવાહી ચાલું રાખે છે.
તેમણે ઉમેર્યું હતું કે રિકવરીની પદ્ધતિઓમાં સિવિલ કોર્ટમાં અથવા ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કરવો, ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ના સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન હેઠળની કાર્યવાહી, ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ ૨૦૧૬ હેઠળ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવો, વાટાઘાટ દ્વારા સમાધાન કરવું અથવા તો NPA ના વેચાણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારે એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં જાહેર ક્ષેત્રની બેંકોએ FY ૨૪માં તેમનો અત્યાર સુધીનો સૌથી વધુ કુલ ૧.૪૧ લાખ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં ગ્રોસ NPA રેશિયો ઘટીને ૩.૧૨ ટકા થવા સાથે એસેટ ક્વોલિટીમાં થયેલા સુધારા દ્વારા આને સમર્થન મળ્યું હતું. ૨૦૨૪-૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જાહેર ક્ષેત્રોની બેંકોએ ૮૫,૫૨૦ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.