સુપ્રીમ કોર્ટની વ્યસની યુવાનોને સલાહ
કુટેવને સોશિયલ સ્ટેટસ બનાવી તે અત્યંત દુઃખદ વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
નશામાં ચૂર રહેવું એટલે તેનો અર્થ કૂલ દેખાવ નથી. તેનાથી દૂર રહેવુ જોઈએ. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતાં દેશના યુવાનોને સલાહ આપી હતી. કોર્ટે કહ્યું કે, આજના યુવાનો વ્યસનને કૂલ સ્ટેટસ સાથે જોડે છે. તેની કુટેવને સોશિયલ સ્ટેટસ બનાવી રહ્યા છે. જે અત્યંત દુઃખદ છે.
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહે ડ્રગ તસ્કરી મામલે સુનાવણી કરતાં આ નિવેદન આપ્યું હતું. આ કેસમાં અંકુશ વિપિન કપૂર પર આરોપ છે કે, તે ડ્રગ્સની દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. તેણે પાકિસ્તાનના દરિયાઈ માર્ગથી મોટાપાયે હેરોઈનની દાણચોરી ભારતમાં કરાવી હતી.
જસ્ટિસ નાગરત્નાએ ચુકાદો સંભાળવતી વખતે કહ્યું કે, વ્યસનની કુટેવની યુવાનોની સામાજિક, આર્થિક અને માનસિક સ્થિતિ પર અત્યંત ખરાબ અસર કરે છે.તે દેશના યુવાનોની ચમકને જ નષ્ટ કરી દે છે. તેમનું સંપૂર્ણ તેજ છીનવી લે છે. નશાની કુટેવથી યુવાનોને બચાવવા માટે વાલીઓ, સમાજ અને સરકારી એજન્સીઓને સંયુક્તપણે પ્રયાસ કરવા પડશે. અમે પણ અમુક માર્ગદર્શિકાઓ નક્કી કરીશું અને તે મુજબ કાર્યવાહી કરીશું જેથી યુવાનોને બચાવી શકાય.
કોર્ટે વધુમાં કહ્યું કે, ચિંતાની વાત છે કે, સમગ્ર ભારતમાં ડ્રગ્સનું રેકેટ ચાલી રહ્યું છે. જેની અસર સમાજના તમામ વર્ગ, વયજૂથ અને ધર્મ પર થઈ રહી છે. ડ્રગ્સની આવકનો ઉપયોગ દુશ્મન હિંસા અને આતંકવાદ ફેલાવવા કરી રહ્યા છે.
આજની યુવા પેઢીમાં ડ્રગ્સ-નશાની લતથી તેમના ભવિષ્ય પર અસર થાય છે. ડ્રગ્સની દાણચોરી કરનારા મોટાભાગે બચી જાય છે. પરંતુ તેનો ભોગ બાળકો-યુવાનો બને છે. વાલીઓની જવાબદારી છે કે, બાળકોને સુરક્ષિત માહોલ પ્રદાન કરે. જો બાળકો ભાવનાત્મક રૂપે પરિવાર સાથે જોડાયેલા હોય તો તેમનામાં સંસ્કારોનું સિંચન થાય છે. અને તેઓ નશાના કૂવામાં પડતાં બચી શકે છે.