શું કોઈ મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવવા એ અપરાધ છે?
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે મસ્જિદની અંદર જય શ્રી રામના નારા લગાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં દાખલ કરાયેલા કેસને રદ કરવા સામે હાઈકોર્ટના આદેશને પડકારતા કેસમાં કર્ણાટક સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવાને લઈને દાખલ કરવામાં આવેલ કેસને રદ કરવા વિરુદ્ધની અરજી પર નોટિસ જારી કરવા માટે હાલમાં સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજદારને કહ્યું કે, તમે અરજીની કોપી કર્ણાટક સરકારને સોંપો. રાજ્ય સરકારની જાણકારી લીધા બાદ જાન્યુઆરીમાં આ કેસની સુનાવણી કરાશે.
સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને પૂછ્યું કે શું કોઈ મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવવા એ અપરાધ છે? આ સાથે કોર્ટે પૂછ્યું કે મસ્જિદમાં કથિત રીતે નારા લગાવનારા આરોપીઓની ઓળખ કેવી રીતે થઈ? જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે એમ પણ પૂછ્યું હતું કે શું આરોપીઓની ઓળખ નક્કી કરતા પહેલા CCTV ફૂટેજ કે અન્ય કોઈપણ પ્રકારના પુરાવાની તપાસ કરવામાં આવી હતી?
માહિતી મુજબ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના કડાબા તાલુકાના રહેવાસી અરજદાર હૈદર અલી તરફથી વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત રજૂ થયા હતા. જસ્ટિસ પંકજ મિથલ અને સંદીપ મહેતાની બેન્ચે આ મામલાને સમજવાનો પ્રયાસ કરતાં પૂછ્યું કે ધાર્મિક નારા લગાવવા એ અપરાધ કેવી રીતે બની જાય છે? તેના પર કામતે કહ્યું કે, આ અન્ય ધર્મના ધાર્મિક સ્થળે બળજબરીથી પ્રવેશવાનો અને ધમકાવવાનો પણ મામલો છે. ત્યાં પોતાના ધર્મના નારા લગાવીને આરોપીઓએ સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કર્યો છે.
કામતે આગળ કહ્યું કે, આ કેસમાં CRPC ની કલમ ૪૮૨નો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ હાઈકોર્ટે FIR રદ કરી દીધી. તેના પર ન્યાયાધીશોએ કહ્યું કે, એ જોવું પડશે કે આરોપીઓ સામે કયા પુરાવા છે અને પોલીસે તેમના રિમાન્ડ માંગતી વખતે નીચલી અદાલતને શું કહ્યું હતું?
૧૩ સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે મસ્જિદમાં ‘જય શ્રી રામ’ ના નારા લગાવનારા બે લોકો કીર્તન કુમાર અને સચિન કુમાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી રદ કરી દેવામાં આવી હતી. બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૪૭, ૨૯૫ છ અને ૫૦૬ જેવી કલમો હેઠળ ગેરકાયદે પ્રવેશ, ધાર્મિક સ્થળો પર ભડકાઉ કૃત્યો અને ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ હાઈકોર્ટના જસ્ટિસ નાગપ્રસન્નાની બેન્ચે કહ્યું કે આ વિસ્તારમાં લોકો સાંપ્રદાયિક સૌહાર્દ સાથે રહી રહ્યા છે. ૨ લોકો દ્વારા કેટલાક નારા લગાવી દેવાથી બીજા ધર્મનું અપમાન ન કહી શકાય. જેના આધારે હાઈકોર્ટે FIR રદ કરી દીધી હતી.