સંસદમાં પ્રિયંકા ગાંધીના મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સંસદમાં ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જ્યાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પડોશી દેશોમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ સહિત અન્ય લઘુમતીઓને બચાવવાની અપીલ કરી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ૧૯૭૧માં ભારતે યુદ્ધ કરી પાકિસ્તાનને ભોય ભેગું કર્યું હતું, જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આ યુદ્ધને ઈન્દિરા ગાંધીની નિર્ણાયક સરકાર અને બહાદુર સૈનિકોએ અંજામ આપ્યો હતો. પ્રિયંકાએ ઈન્દિરા ગાંધીની ઈચ્છા શક્તિનો ઉલ્લેખ કરી મોદી સરકારને અપીલ કરી છે કે, ‘તમે પણ તેમની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો.’
તેમણે લોકસભામાં સોમવારે કહ્યું કે, ‘મોદી સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. ૧૯૭૧ના જે બહાદુરો અને શહિદોએ યુદ્ધ લડ્યું હતું, હું તેઓને નમન કરું છું. હું દેશની જનતાને પણ નમન કરું છું. કારણ કે તેમના વગર પાકિસ્તાન સામે વિજય મેળવવો અસંભવ હતો. તે વખતે આપણે એકલા હતા અને બંગાળી ભાઈ-બહેનોનો અવાજ કોઈ સાંભળતું ન હતું. તે સમયે ભારતની જનતા સાથે આવી અને નેતૃત્વ સાથે ઉભી રહી.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ઈન્દિરા ગાંધીને નમન કરવા ઈચ્છું છું. તેઓ આ દેશના મહાન શહીદ છે. તેમણે પડકારજનક સ્થિતિમાં આવું નેતૃત્વ કરી દેખાડ્યું, જેના કારણે તે દેશનો વિજય થયો. એ લડાઈ સિદ્ધાંતોની હતી. મારો પહેલો મુદ્દો એ છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ અત્યાચાર થઈ રહ્યા છે, તેની સામે મોદી સરકારે અવાજ ઉઠાવવો જોઈએ. સરકારે ત્યાં પીડિત હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો મુદ્દો ઉઠાવવો જોઈએ.
તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘૧૯૭૧માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કરીને બાંગ્લાદેશનો વિજય અપાવ્યો હતો. તે વખતે પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોએ ભારત સામે ઘૂંટણીએ પડી આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની તાકાત સામે શરણાગતિ સ્વિકારી લીધી હતી. ત્યારે ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ની તસવીર ઉતારી દેવાઈ છે. આજે પણ પાકિસ્તાન તે શરણાગતિની તસવીર જોઈને ચિડાઈ જાય છે.