‘EVM માટે રડવાનું બંધ કરો, જે પરિણામ આવ્યા તેનો સ્વીકાર કરો’
(સંપૂર્ણ સમાચાર સેવા)
INDIA બ્લોકમાં એક પછી એક પક્ષ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાજકીય ગઠબંધ મહાવિકાસ અઘાડીમાં સપા સાથે વિખવાદ બાદ વધુ એક મહત્ત્વપૂર્ણ સહયોગીએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારીમાં હોય તેવો સંકેત આપ્યો છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાહે EVM પર કોંગ્રેસ પક્ષના વિરોધને ફગાવતાં સલાહ આપી છે કે, EVM માટે રડવાનું બંધ કરો, જે પરિણામ આવ્યા તેનો સ્વીકાર કરો.
અબ્દુલ્લાહે કહ્યું કે, જ્યારે તમારા ૧૦૦થી વધુ સાંસદો એક જ EVM ચૂંટાય છે, ત્યારે તમે તેને તમારા પક્ષની જીત તરીકે ઉજવો છો, બાદમાં થોડા મહિનાઓ પછી ફરી પાછો આક્ષેપ કરો છો કે, અમને EVM દ્વારા મતદાન કરવું પસંદ નથી, કારણ કે હવે ચૂંટણીના પરિણામો તમારી ઈચ્છા વિરૂદ્ધ આવ્યા છે.’
ઓમર અબ્દુલ્લાહની આ ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે મેળ ખાય છે. ભાજપ પણ આ જ સલાહ આપે છે કે જ્યારે વિપક્ષ જીતે છે ત્યારે તેઓ EVM ને સારું માને છે અને જ્યારે તેઓ હારે છે ત્યારે દોષનો ટોપલો EVM પર ઢોળે છે. આ નિવેદનથી રાજકીય વિશ્લેષકો અંદાજ લગાવી રહ્યા છે કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વધ્યો છે.
તેમણે કહ્યું કે ‘પાર્ટી લાઇનને અનુસરવાને બદલે હું સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાનું પસંદ કરૂ છું. મારી સ્વતંત્ર વિચારસરણીનું ઉદાહરણ સેન્ટ્રલ વિસ્ટા જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મારૂ સમર્થન છે. મને લાગે છે કે સેન્ટ્રલ વિસ્ટા દિલ્હીમાં ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. હું માનું છું કે નવી સંસદ ભવનનું નિર્માણ એક તેજસ્વી વિચાર હતો. અમારે સંસદની નવી ઇમારતની જરૂર હતી. અગાઉની સંસદની ઇમારત જૂની હતી અને વર્તમાન જરૂરિયાતો માટે યોગ્ય નહોતી.’
અબ્દુલ્લાહે વધુમાં જણાવ્યું કે, ‘જો પાર્ટીઓને વોટિંગ સિસ્ટમમાં વિશ્વાસ ન હોય તો તેમણે ચૂંટણી ન લડવી જોઈએ. જો તમને EVM માં સમસ્યા છે તો દરેક ચૂંટણીમાં તેની સાથે સમસ્યા થવી જોઈએ.’ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે ઈવીએમની ભૂમિકા અને ચૂંટણી પરિણામો પર શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસના નેતાઓએ પેપર બેલેટથી મતદાન કરવાની હિમાયત કરી છે.
ઓમર અબ્દુલ્લાહની તાજેતરની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેમની નેશનલ કોન્ફરન્સ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બધુ બરાબર નથી. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી બંને પક્ષોએ ગઠબંધન કરીને લડી હતી. નેશનલ કોન્ફરન્સના નેતાઓ અને અધિકારીઓ આરોપ લગાવી રહ્યા હતાં કે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાનું કામ કર્યું નથી અને સમગ્ર બોજો તેમની પાર્ટી પર છોડી દીધો છે. તેમ છતાં, NCA ૯૦ સભ્યોની વિધાનસભામાં ૪૨ બેઠકો જીતી હતી અને કોંગ્રેસને માત્ર ૬ બેઠકો મળી હતી. મુખ્યમંત્રી અબ્દુલ્લાહે નિવેદનમાં કહ્યું હતું કે, ‘તમે બંને ચૂંટણી જીતો અને હારો અને બંને વખત ઈવીએમ દ્વારા વોટ પડે છે. પક્ષોએ તેમની હાર માટે અનુકૂળ બહાના તરીકે ઈવીએમનો ઉપયોગ ન કરવો જોઈએ.’