ખેડૂતોએ કેન્દ્ર સરકારના વાતચીત કરવાના પ્રસ્તાવનો ઈન્કાર કર્યો
કેન્દ્ર સરકાર ખેડૂતો અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
શંભુ અને ખનૌરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાનને ખેડૂત આંદોલન અંગે તમામ માહિતી અપાઈ છે.
કેન્દ્ર સરકારે ૨૦ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંઘ ડલ્લેવાલ સાથે મુલાકાત કરવા માટે કેન્દ્રીય ગૃહ નિદેશક મયંક મિશ્રાને મોકલ્યા છે. પંજાબના DGP ગૌરવ યાદવ મિશ્રા પણ ખનૌરી બોર્ડર પર પહોંચ્યા છે. બેઠક બાદ મિશ્રાએ કહ્યું કે, મેં ખેડૂતોની માંગણીઓ અંગે માહિતી મેળવી છે. તેમણે કેન્દ્ર સરકારના વાતચીત કરવાના પ્રસ્તાવનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ડલ્લેવાલની તબીબી મદદ કરવાનો આદેશ આપ્યો હતો.
વડાપ્રધાન મોદી ખેડૂત આંદોલન મુદ્દે સક્રિય થયા બાદ એવું મનાઈ રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતો અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. પંજાબના ડીજીપીએ કહ્યું કે, ડલ્લેવાલના જીવનની કિંમત છે. અમે બધા સંકલન કરીને સમસ્યાનો નિવેડો લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. મારી સાથે કેન્દ્રીય ગૃહ નિદેશક પણ આવ્યા છે. તેઓ ખેડૂતોની માંગણીઓ કેન્દ્ર સરકારને મોકલશે. પંજાબ સરકારે પણ ખેડૂતોની માંગણીઓ આગળ મોકલવા કહ્યું છે.
ડલ્લેવાલે આમરણાંત ઉપવાસ તોડવાનો ઈન્કાર કર્યો છે. ખનૌરી બોર્ડર પર બેડ પર નાજુક હાલતમાં ડલ્લેવાલે કહ્યું કે, ‘સરકારની ખોટી નીતિઓના કારણે આત્મહત્યા કરી રહેલા ખેડૂતોની જિંદગી મારા જીવનથી વધુ કિંમતી છે. સતત ૨૦ દિવસથી ઉપવાસ પર હોવાથી ડલ્લેવાલની તબીબી સ્થિતિમાં સતત નાજુક થઈ રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે, ‘તેમનું ૧૨ કિલો વજન ઉતરી ગયું છે. તેમની કિડનીને અને લીવરને નુકસાન થઈ શકે છે. તેઓ કેન્સરથી પીડિતા હોવાથી તેમનું સ્વાસ્થ્ય વધુ ચિંતાજનક થઈ ગયું છે. તેમને ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે. તેઓ કોઈ દવા પણ લેતા નથી.’
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારને આદેશ આપ્યો હતો કે, તેઓ તુરંત ડલ્લેવાલની તબીબી મદદ કરે. તેમને બળજબરીથી કંઈપણ ખવડાવવાનો પ્રયાસ ન કરવાનો પણ નિર્દેશ અપાયો છે. કોર્ટે કહ્યું છે કે, આંદોલનથી વધુ તેમની જિંદગી જરૂરી છે.