યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અન્ય રાજ્યનાં બોર્ડની બોગસ માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. છેલ્લા ૩ વર્ષમાં ૬૨ વિદ્યાર્થીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હોવાનું યુનિવર્સિટીનાં ધ્યાને આવતા યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ તમિલનાડુની બોગસ માર્કશીટથી કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે છેલ્લા ૩ વર્ષમાં ૬૨ જેટલા વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવી પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ MBBS અને વકીલાતના અભ્યાસ પૂર્ણ કરી લીધા હતા. એક વિદ્યાર્થી MBBS નાં બીજા વર્ષમાં અભ્યાસ પછી ત્રીજા વર્ષે ઝડપાયો છે. તો એક વિદ્યાર્થીએ તમિલનાડું બોર્ડના નામે ખોટો લેટર પણ મોકલ્યો છે. યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ૩ વર્ષમાં ૬૨ જેટલા બોગસ વિદ્યાર્થીઓ દ્વારા બોગસ માર્કશીટ તેમજ ડિગ્રીનાં આધારે એડમિશન લેવાયા હતા. યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓનાં પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરતા સમગ્ર કૌભાંડ બહાર આવવા પામ્યું હતું. ત્યારે પકડાયેલી તમામ માર્કશીટ તમિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓની હતી.