ડિસેમ્બર દરમિયાન માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો
છેલ્લા કેટલાક દિવસથી બરફની ચાદર છવાઈ
રાજસ્થાનના ગુલમર્ગ તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં પાછલા કેટલાક દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આવામાં ૪ દિવસથી તાપમાન પણ માઈનસમાં નોંધાઈ રહ્યું છે. માઉન્ટ આબુમાં આકરી ઠંડી પડવાના કારણે અહીં ફરવા માટે આવેલા પ્રવાસીઓને એક અલગ અનુભવ થઈ રહ્યો છે. તાપમાન ગગડવાના કારણે ખુલ્લી જગ્યાઓમાં બરફ જામેલો જોવા મળી રહ્યો છે જે ઘણાં પ્રવાસીઓ માટે એક અલગ જ પ્રકારનો અનુભવ બની રહ્યો છે. આગામી દિવસોમાં આ પ્રકારનું તાપમાન યથાવત રહ્યું તો અહીં પ્રવાસીઓ પર નભીને વેપાર-ધંધો કરતા લોકોને આનંદ થશે. માઉન્ટ આબુમાં ૪ દિવસથી તાપમાનમાં માઈનસમાં નોંધાઈ રહ્યું છે, જેમાં રાતના સમયે આકરી ઠંડી પડી રહી છે, જેના કારણે ખુલ્લા ભાગમાં જે ઝાકળ બની હોય તે થીજીને બરફમાં પરિવર્તિત થઈ જાય છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન -૪.૪ ડિગ્રી પહોંચ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
ત્યારે આ નજારો જોવા માટે માઉન્ટ આબુ આવેલા પ્રવાસીઓ વહેલા ઉઠીને ખુલ્લી જગ્યાઓ પર નિહાળવા માટે બહાર નીકળી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર ખુલ્લામાં પડેલા ટેબલ કે કારની ઉપર પણ બરફ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
માઉન્ટ આબુના સ્થાનિકો પર ઠંડીની અસર જોવા મળી રહી છે, લોકોના ઘર વહેલા બંધ થઈ જાય છે અને મોડા સુધી દરવાજા બંધ રહે છે. પરંતુ બીજી તરફ અહીં ફરવા માટે આવેલા લોકો અલગ પ્રકારના હવામાનનો આનંદ લઈ રહ્યા છે. ગુલાબી ઠંડીનું જોર વધવાના કારણે અહીં રજાઓ દરમિયાન આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર દરમિયાન માઉન્ટ આબુના હવામાનને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.