પતિને પત્ની પર શંકા જતા આ ભયાનક પગલું ભર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદમાં બંગડીઓના શોરૂમમાં કામ કરતા ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના સિરાજ નામના યુવકે પહેલા તેની પત્ની અને તેના નાના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. આ હૃદયદ્રાવક ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા. આ ઘટના પાછળનું કારણ જાણીને તમે ચોંકી જશો. યુવકને તેની પત્ની પર શંકા હતી કે તેનું કોઈની સાથે અફેર છે. નોંધનીય છે કે, દિવસ પહેલા જ સિરાજ તેની પત્ની અને બે બાળકોને લઈને હૈદરાબાદ આવ્યો હતો. હવે તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે.
અહેવાલો અનુસાર, ફિરોઝાબાદના ૩૮ વર્ષીય સિરાજ અલીએ સાત વર્ષ પહેલા કાનપુરની રહેવાસી ૩૫ વર્ષીય અહલિયા સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેને બે પુત્રો હતા-પાંચ વર્ષનો અલી જાન અને અઢી વર્ષનો એહસાન. સિરાજ હૈદરાબાદમાં બંગડીઓના શોરૂમમાં છ વર્ષથી કામ કરતો હતો અને તેની પત્ની અહલિયા બાળકો સાથે તેના મામાના ઘરે રહેતી હતી. એક અઠવાડિયા પહેલા સિરાજ એક સંબંધીના લગ્નમાં હાજરી આપવા ફિરોઝાબાદમાં તેના ઘરે આવ્યો હતો અને તેની પત્ની કાનપુરથી બાળકો સાથે ફિરોઝાબાદ આવી હતી.
સંબંધીના લગ્ન બાદ સિરાજ તેની પત્ની અને બે બાળકોને લઈને હૈદરાબાદ ગયો હતો. ગુરુવારે મોડી રાત્રે પતિ-પત્ની વચ્ચે મોબાઈલને લઈને ઝઘડો થયો હતો અને મામલો એટલો વધી ગયો હતો કે બંને વચ્ચે મારામારી થઈ હતી. શુક્રવારે સવારે સિરાજે તેની પત્ની અને નાના પુત્રનું ગળું દબાવી હત્યા કરી હતી. જ્યારે આ બધું થઈ રહ્યું હતું. ત્યારે મોટો દીકરો અલી ઘરેથી ભાગી ગયો હતો અને તેમણે પાડોશીઓને કહ્યું હતું કે પિતા માતાને મારતા હતા. પોલીસ અને પાડોશીઓ પહોંચ્યા ત્યાં સુધીમાં સિરાજે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ યોગેન્દ્ર પાલ સિંહને આ ઘટનાની જાણ થઈ કે મોબાઈલનું લોક ન ખોલવાને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને આ ઘટના બની.